કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર કૂતરાને વળગી ઢબુરાઈને સુતેલા બાળકની કહાની લહેરથી જીવતા શીખવી જશે

- text


લેખક જય વસાવડાની કલમે વાંચો બાળક અંકિત અને તેના કૂતરા ડેનીનો રસપ્રદ લેખ

નફરત કી દુનિયા છોડ કે, પ્યાર કિ દુનિયા મેં ખુશ રહેના મેરે યાર…

કોઈ ફિલ્મ બની શકે આખી એક તસવીર પરથી એવો એક કિસ્સો જાણમાં આવ્યો, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર નગરનો. એક સ્થાનિક ફોટોગ્રાફરે પાડેલો ફોટો નેશનલ લેવલ પર ન્યુઝ બન્યો. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર એકમેકને વળગી એક ધાબળે ઢબુરાઈને સુતેલા એક દસેક વર્ષના બાળક અંકિત અને એના કૂતરા ડેનીનો.

આવા દ્રશ્યો તો જોવા મળે એમાં શી નવાઈ. એવું માનતા હો તો નવાઈ એ છે કે અંકિતને પોતાનું ઘર કે મા-બાપને નામ યાદ નથી. યાદ રહે એવી ઉંમર થઈ; ને બાપ જેલમાં છે ને મા એને છોડીને જતી રહી છે, એટલું જ યાદ છે! પણ આ ભૂલકાંએ આપઘાતના વિચારો, ગુસ્સો કે રોકકળ કરવાને બદલે જીવનની કસોટીમાં ચૂપચાપ યાત્રા જ ચાલુ રાખી છે. આડાઅવળા શોર્ટકટસ કે, ભીખ કે બેઇમાનીને બદલે પ્રામાણિક પરિશ્રમ કર્યો છે. જેમાં એનો વર્ષોથી ગલુડિયું હતું, ત્યારથી એકમાત્ર સંગીસાથીભાઈબંધદોસ્તાર જે કહો એ એકમાત્ર ફેમિલી મેમ્બર છે, શ્વાન ડેની.

બાળ અંકિત પાસે કોઈ ફરિયાદ નથી જીવન માટે. સંઘર્ષની દિલેરી છે. આસપાસના દુકાનદારો કહે છે કે છોકરો હોશિયાર છે. નીતિવાળો છે. એ અડધો દિવસ ચાની દુકાને હાથવાટકા તરીકે કામ કરે છે. અડધો દિવસ ફુગ્ગા વેંચે છે. એમાંથી જે મળે એ માત્ર એના ને ડોગ ડેનીના પેટ ભરવા પૂરતું જ હોય છે. પણ એ બાજુવાળા કહે છે કે – સામેથી આપો છતાં પોતાના માટે ઠીક, કૂતરા માટે ય દૂધ મફત નથી લેતો. ચોરી વિના ખુદ્દારીથી જાતમહેનતની જ કમાણી પર જીવે છે. કોરોના કે નેટફ્લિક્સ , ઈન્સ્ટાગ્રામ કે આઇપીએલ – એની દુનિયાને આ કશાથી ફરક નથી. ચા ના એંઠા કપરકાબી ઊંચકી સાફ કરો ને ફુગ્ગા ફુલાવી બીજા બાળકોને વેંચો. ડેની સાથે રમો, ને બે ટંક જમી ખુલ્લામાં ફૂટપાથ પર સુઈ જાવ – એમાં એ ખુશ છે.

અત્યારે તો સમાચાર ફેલાયા પછી સ્થાનિક પોલિસ એસએસપી અભિષેક યાદવે પોલીસને એની કસ્ટડી લઈ મળે એટલી વિગતો મેળવી એના સ્વજનોને શોધવાની કામગીરી હાથ ધરી છે. એને ઓળખતા એક સ્થાનિક બહેન થકી એને ભણાવવા માટે તાકીદ કરી છે. સારું. પણ ફ્રેન્કલી અંગત મત અહીં જુદો પડે છે.

- text

આ ભણેલાઓની પ્રગતિશીલ દુનિયામાં એ આટલો શાંતિથી ઉંધી નહિ શકે ! આ ઘણા સમજદાર કહેવાતા લોકો ડિપ્રેશનમાં સરકી પડે છે કે ટાંટિયાખેંચને કૂથલીમાં જિંદગી વેડફી નાખે છે. રિજેક્શનમાં હર્ટ થઈ મરવા મારવાના વિચારે ચડે છે. એના પરિવારજનોને એની એવી ફિકર હોત તો ભાળ કાઢતા ભટકતા જ હોત ને. ત્યાં વધુ દુઃખી થશે એ જશે તો. મહેણા ખાશે આખા ભાણાને બદલે. સુધારગૃહ કે શાળામાં જીવતર જેવા નક્કર પાઠ નહીં મળે. આ તો નાલાયક મા-બાપને નિમિત્ત બનાવી એક લાયક જીવ કુદરતે રમતો કરી બીજો અબોલ જીવ એને મેળવી દીધો.

બહુ કમાઈને, ભણીને અંતે તો પગભર થતા શીખવાનું હોય ને. ઇમાનદારી ને મહેનતનો રોટલો રળતા શીખવાનું હોય. સોંપાયેલું કામ આત્મવિશ્વાસ, સંકલ્પબળ, આવડત ને નિષ્ઠાથી કરતા શીખવાનું હોય. ખુમારીથી એકલા રસ્તો કાઢતા ને પોતાની જ દોસ્તી કરી નિરાંતે મસ્ત આરામ કરતા શીખવાનું હોય. ફક્ત જરૂર પૂરતો હિસાબ આવડયા બાદ બીજા કોઈને સાચવતા, પ્રેમ કરતા શીખવાનું હોય. લહેરથી જીવવા ને જીવાડવા માટે જાત કેળવવાની હોય. અલ્ટીમેટ ગોલ તો આ છે ને ભલભલાનો. આ બાળકે એ તો આવડી ઉંમરમાં શીખીને અમલમાં ય મૂકી દીધું ને કચકચ કે બળતરા વિના સાવ ઓછામાં ય અંદરથી રાજી રહેવાના તત્વજ્ઞાનનો સાર પણ કોઈ મોટા ધાર્મિક ભાષણખોર કરતા સારો પચાવી લીધો !

હવે આને મોટો કરવામાં કરપ્ટ કરીને જંપશે પ્રસિદ્ધિઘેલી હરખપદૂડી દુનિયા, એ ઈન્ટરવલ પછીના વળાંકોનો જરા ડર લાગે છે. આ ય એક જીવતી સાચુકલી કહાની છે. ડેની એનો દોસ્ત છે. કારણ કે એને કોઈ લાંબી અપેક્ષા નથી. બસ સહવાસની ક્ષણો છે. આ બેઉ ભલે ફાઈવ સ્ટાર બંગલામાં પણ આમ જ પોઢે નિરાંતજીવે, એ જ આપણી તમન્ના.

અને હા, ભારત વિશે ખાલી કી પેડ લઈને ઠોકાઠોક કરવાથી આ દેશની જટિલ વિકટ સમસ્યાઓ નહિ સમજાય. આવા બેસુમાર અંકિતોનું ભાવિ ઘડવાની જવાબદારી જવા દો, એમને સમજવાની દરકાર પણ છે આપણી ? જવા દો.

એટલે જ અંકિત ને ડેની આમ દુકાનના ગાળે સુવાના દુઃખમાં ય એકમેક જોડે ઘણા, પરીકથા જેવા જ સુખી લાગે છે.

~ જય વસાવડા #JV

- text