જશના અંગોથી સાત બાળકોને નવજીવન મળશે, અઢી વર્ષની વયમાં અંગદાન કરવાની ગુજરાતની સૌ પ્રથમ ઘટના

- text


સુરતના પત્રકારના બાળકનું રશિયાના ચાર વર્ષના બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું : હાર્ટ, ફેફસા, કિડની, આંખો અને લીવરનું પણ દાન કરાયું

મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાંથી સૌથી નાની ઉમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પત્રકાર સંજીવ ઓઝા દ્વારા વ્હાલસોયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સમાજને અંગદાન કરવાનો સંદેશો આપ્યો છે.

ગત તા. 9 ડિસેમ્બરે અઢી વર્ષનો જશ ઓઝા પાડોશીના ઘરે રમતા રમતા બીજા માળેથી નીચે પડી ગયો હતો. આ દરમિયાન તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇને તે બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સુરતની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. 14 ડિસેમ્બરે હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકનું બ્રેઈનડેડ હોવાનું જણાવ્યું હતું.

બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ બાળકના હૃદય, ફેફસાં, કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે. પત્રકાર સંજીવ ઓઝાએ સંમતિથી પોતાના બાળકના અંગોનું દાન કરાયું છે. હાલ આ સુરતના બાળકનું હૃદય રશિયાના બાળકમાં ધબકશે. સુરતના જશનું રશિયાના ચાર વર્ષના બાળકનું ચેન્નાઇની MGM હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તો બાળકના ફેફસાંનું યુક્રેનના 4 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

જશના માતા-પિતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા જશના અંગદાનની મંજુરી આપી હતી. ઉલ્લેખનીય છે કે જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે સમાચાર પત્રોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા. હવે તેમણે પોતના અઢી પુત્ર જશના અંગોનું દાન કરીને સમાજ માટે પ્રેરણારૂપ દાખલો પૂરો પાડ્યો છે.

- text

- text