સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે ઘાયલ

- text


માળીયા મી.: બુધવારે રાત્રે સુરજબારી ટોલ પ્લાઝા નજીક એક ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે શખ્સોને ઇજા થતાં શામખીયાળી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવને પગલે ટ્રાફિકજામ સર્જાતા ફાયરબ્રિગેડ સહિતના કાફલાએ ઘટના સ્થળે ઘસી જઈ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો આ અનુસાર બુધવારે રાત્રે 9:50 મિનિટે સુરજબારી 108 પેટ્રોલિંગ ટીમને ટોલ પ્લાઝા નજીક એક્સીડેન્ટ થયાનો કોલ મળતા માત્ર બે મિનિટમાં જ ટીમ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. કેમિકલ ભરીને જતા ટેન્કર નંબર GJ 03- BT- 9614ની પાછળ ડ્રાઈવર સાઈડમાં એક માલવાહક ટ્રક નંબર GJ-12-AU- 5841ની ટક્કરમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રકમાં બેસેલા અન્ય એક શખ્સ ઇજાગ્રસ્ત હોય અને બન્ને ટ્રકમાં ફસાઈ ગયેલા જણાતા તાત્કાલિક ક્રેઇન મંગાવી બન્ને શખ્સોને ટ્રકમાંથી બહાર કાઢયા હતા. લોહી વહી જતું અટકાવવાની પ્રાથમિક સારવાર આપી બન્નેને નજીક આવેલી શામખીયાળી સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી એકને ગંભીર ઇજા જ્યારે બીજા શખ્સને સામાન્ય ઇજા જણાતા વધુ પ્રાથમિક સારવાર ઉપલબદ્ધ કરવાઈ હતી.

પાછળ આવી રહેલા ટ્રકના ડ્રાઈવરે કેફી પીણું પીને પુરપાટ વેગે ટ્રક ચલાવી નિયંત્રણ ગુમાવતા ઉપરોક્ત અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવતા પોલીસને પણ બનાવની જાણ કરાઈ હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતા અને ટેન્કર કેમિકલ ભરેલું હોય ક્રેઇનની મદદથી તત્કાળ તેને રસ્તાની સાઈડમાં કરાવીને રસ્તો ક્લિયર કરાવવામાં આવતા ટ્રાફિક હળવો થયો હતો. ઉક્ત બનાવની નોંધ લઈ પોલીસે અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગફલતભરી રીતે ટ્રક ચલાવવા તેમજ નશો કરીને ડ્રાઈવિંગ કરવાના ગુન્હા નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text