ફોરેસ્ટની ઓફિસમાંથી પોલીસ દ્વારા જ ચાલતું હતું જુગારધામ, દારૂ અને હથિયારો પણ મળ્યા

- text


ફોરેસ્ટની ઓફિસનો કબ્જો જમાવી પોલીસ કર્મચારી જ ચલાવતો હતો જુગારધામ : સ્થળ પરથી બિયરના ટીન અને બે હથિયારો મળી આવ્યા

માળીયા : માળીયા મીયાણાના ખીરસર ગામ નજીક આવેલ ફોરેસ્ટ ઓફિસમાં ચાલતા જુગારધામને રાજકોટની આરઆરસેલે ઝડપી લીધું હતું. જેમાં આ ફોરેસ્ટ ઓફિસનો કબ્જો જમાવીને જુગાર રમાડતા એક પોલીસ કર્મચારી સહિત સાત શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. સ્થળ ઉપરથી બિયરના ટીન તેમજ બે હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મોરબી જિલ્લામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા (રહે મોરબી-પંચાસર) માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરાથી નવલખી જવાના રોડ ઉપર ખીરસર ગામના પાટિયા પાસે આવેલ ફોરેસ્ટ ઓફિસનો કબ્જો જમાવીને ગેરકાયદે જુગારધામ ચલાવતો હોવાની બાતમના આધારે ગતરાત્રે રેન્જ આઈજી સંદીપસિંહની સૂચનાને પગલે રાજકોટ આરઆરસેલની ટીમ તે સ્થળે ત્રાટકી હતી.

પોલીસે આ ફોરેસ્ટ ઓફિસમાં જુગારધામ ચલાવતા મુખ્ય સૂત્રધાર એવા પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા તથા જુગાર રમતા ઘનશ્યામભાઈ કરશનભાઈ આદ્રોજા, જયંતીભાઈ ગાંડુંભાઈ ઠોરિયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા, નરેશભાઈ સવજીભાઈ વિડજા, સંજયભાઈ રણમલભાઈ લોખીલ, કામાંભાઈ સુરેશભાઈ પાસવાનને રંગેહાથ ઝડપી લીધા હતા.

- text

સ્થળ ઉપરથી ત્રણ ઈંગ્લિશ દારૂની બોટલ, 34 બિયરના ટીન તથા પોલીસ કર્મચારીના કબ્જામાંથી ગેરકાયદે એક પિસ્તોલ, રિવોલ્વર અને 56 કારતુસ મળી આવ્યા હતા. આ હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 6.76 લાખ, મોબાઈલ, હથિયારો, દારૂ-બિયર મળીને કુલ રૂ.6.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે મુખ્ય સૂત્રધાર એવા પોલીસ કર્મચારી સામે ગેરકાયદે હથિયારો રાખવા, દારૂ બિયર અને જુગારધામ ચલાવવા એમ ત્રણ ગુનાઓ નોંધાયા છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

- text