મોરબીનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં : વેસ્ટ પેપરની અછતના લીધે તૈયાર કાગળના ભાવોમાં વધારો થવાની વકી

- text


મોરબી : કાચા કાગળ અને રો-મટીરીયલ્સની અછતના પગલે તેમાં ભાવ વધારો આવ્યો છે. જેના કારણે મોરબીનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હાલમાં કેટલીક પેપર મિલો દ્વારા વેસ્ટ પેપરની અછતના કારણે ઉત્પાદન બંધ કરવાની પરિસ્થિતિ આવી છે. તો બીજી તરફ વેસ્ટ પેપરના ભાવોમાં આવેલા તોતિંગ વધારાના પગલે તૈયાર કાગળના ભાવોમાં પણ વધારો આવશે.

મોરબીમાં સિરામિક પછીનો બીજા નંબરનો પેપર ઉદ્યોગ છે. જે દેશના કુલ ઉત્પાદનનું 15 % ઉત્પાદન કરે છે. મોરબીમાં ક્રાફ્ટ પેપર તથા વ્હાઈટ પેપર બને છે. આ પેપર વેસ્ટ પેપરને રીસાઈકલ કરીને બનાવવામાં આવે છે. વેસ્ટ પેપર માટેનો મોટો સ્ત્રોત દિલ્હી, મુંબઈ અને પંજાબ છે. જ્યારે ઈમ્પોર્ટેડ વેસ્ટ પેપર યુરોપ અને અમેરિકાથી આવે છે.

હાલમાં કોરોનાની મહામારીના કારણે યુરોપમાં લોકડાઉન છે. તેમજ ભારતના પણ મોટા શહેરોમાં વેસ્ટ પેપરનું કલેક્શન ખૂબ ઘટી ગયું છે. જેના કારણે મોરબીમાં આવતો વેસ્ટ પેપરનો સપ્લાય 35 % જેટલો ઓછો થઈ ગયો છે. આ અછતના કારણે વેસ્ટ પેપરના ભાવોમાં પણ 25 થી 30 % જેટલો વધારો આવ્યો છે. પરિણામે રો-મટિરિયલ્સના અભાવે પેપર ઉદ્યોગની દશા કફોડી થઈ ગઈ છે. આ સમસ્યા માત્ર મોરબીના જ નહીં પરંતુ સમગ્ર દેશના પેપર ઉદ્યોગની છે. પેપર ઉદ્યોગ દ્વારા આ અંગે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે.

ચીનને ટક્કર આપતો ઉદ્યોગ

પેપર ઉદ્યોગમાં ભારતનો સૌથી મોટો હરીફ દેશ ચીન છે. પરંતુ વૈશ્વિક બજારમાં ભારત ચીન કરતાં પણ સસ્તા ભાવે તૈયાર કાગળ વેચે છે. જેના કારણે મોરબીમાં દૈનીક 7500 ટન પેપરના ઉત્પાદનનું 35 % વિદેશમાં નિકાસ થાય છે. જ્યારે 10 % મોરબીમાં અને 55 % જેટલો પેપર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં જાય છે.

- text

હવે શું થશે?

તૈયાર કાગળના ભાવોમાં 30 % જેટલો વધારો થશે. જેના કારણે પેકેજીંગ, બોક્સ તથા જ્યાં પણ કાગળ વપરાતો હશે તે તમામ વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે. હાલમાં તો ભાવ વધારો કર્યા બાદ પણ પેપર ઉદ્યોગ રો-મટીરીયલ્સના અભાવે ચાલુ રાખવો પણ મુશ્કેલ બની ગયો છે.

પેપર ઉદ્યોગ બચાવવો જરૂરી : કિરીટભાઈ ફુલતરીયા પ્રમુખ, પેપરમીલ એસો. મોરબી

મોરબીમાં 42 પેપર મીલ છે અને 15 જેટલી નવી આવે છે. આ ઉદ્યોગ દ્વારા મહિને 2 લાખ ટનથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ વેસ્ટ પેપરની અછત અને ભાવ વધારાના કારણે વૈશ્વિક બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે અને ફરજિયાત તૈયાર કાગળના ભાવમાં વધારો લાવી પેપર ઉદ્યોગને બચાવવો જરૂરી બની ગયો છે.

- text