ટંકારામાં મહિનાઓથી બંધ આધારકાર્ડની સેવા આજથી ફરી શરૂ, ગાંધીગીરી કરવાનો નિર્ણય રંગ લાવ્યો

- text


નવા ઓપરેટની નિયુક્તિ કરી ફિંગર સહિતની પ્રોસેસ વેરીફિકેશનની પ્રક્રિયા હાથ ધરાઈ

ટંકારા : ટંકારામા કોરોના મહામારી પહેલા અતિ ઉપયોગી આધારકાર્ડની સેવા બંધ થઈ ગઈ હતી. લોકડાઉનના બહાનાને આગળ ધરી કામગીરી કરાતી નહતી. પણ વહીવટી તંત્ર દ્વારા અનલોક થયાના મહિનાઓ પછી પણ આધાર માટે નિરસતા દાખવવામાં આવી હતી. લોકશાહીના રાજા સમ પ્રજાને નિરાધાર બની કામગીરી માટે કચેરીથી લઈ રાજકીય નેતાઓ સુધી કામકાજ માટે રઝળપાટ કરવો પડતો હતો.

ત્યારે વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા સંવિધાન દિવસે ગાંધીગીરી અપનાવી કડકડતી પોતડી પહેરી મામલતદાર કચેરી ખાતે ગાંધીગીરીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાકીદે મોરબીથી ઓપરેટર બોલાવી કામગીરી ચાલુ કરાવી આપી છે. સાથે ટંકારાને નવા ઓપરેટની નિયુક્તિ પણ કરી છે. જેનુ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયે કચેરીમા રાબેતા મુજબ આધાર સેવા શરૂ રહેશે.

ટંકારા મામલતદાર એન. પી. શુક્લ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ માંગ વ્યાજબી છે અને ટંકારાના અરજદારોને એકપણ કામકાજમા હેરાનગતિ કે ભલામણો ન કરવી પડે એવી વ્યવસ્થા કરવાની ખાત્રી આપી હતી. સાથે નવા ઓપરેટરની આઇડી જનરેટર ન થાય ત્યા સુધી દર બુધવારે મોરબીથી ઓપરેટર આવશે તેવું જણાવ્યું હતું.

- text

આ અંગે વિદ્યાર્થી એકતા સંગઠન સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે દેકારો, દેખાડો, દંભ, દાવા કરવા એ સંગઠનની વિચારધારા નથી. તંત્રના હ્દયને ઢંઢોળીને ખરેખર પ્રજા પરેશાન થાય છે એ અહેસાસ કરાવવો એ જ આશય હતો. જે તંત્રને ખ્યાલ આવી ગયો. માટે તંત્રએ ટંકારાની આધાર કાર્ડની માંગણીને ન્યાય આપતા આજનો પોતડી પહેરી કડકડતી ઠંડીમાં ઉભા રહેવાનો કાર્યક્રમ રદ કરી સંવિધાનની પુજા અર્ચના કરી સંવિધાન વિશે લોકોને માહિતી આપવાનો નિર્ણય વિધાર્થી એકતા સંગઠનએ કર્યો હતો.

- text