લગ્નમાં 100 લોકોની મર્યાદા સાથે પાળવા પડશે આ નિયમો : મોરબી કલેકટરે જારી કરી સૂચના

- text


લગ્ન સિવાયની અન્ય કોઈ ઉજવણી એટલે કે રિસેપ્શન કે સત્કાર સમારોહ રાખી નહીં શકાય : લગ્નમાં હાજર રહેનાર લોકોની યાદી બનાવવાની રહેશે : લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત : ચેકીંગ માટે તંત્ર દ્વારા આકસ્મિક ટિમો બનાવશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ની નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નવી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી લગ્ન પ્રસંગ, સગાઈ સહિતના અન્ય સામાજિક પ્રસંગોમાં (બન્ને પક્ષો મળીને) કુલ ૧૦૦ વ્યક્તિઓને તથા મરણ પ્રસંગે અંતિમક્રિયા સહિતની ધાર્મિક વિધિમાં વધુમાં વધુ 50 લોકોને જ ઉપસ્થિત રહેવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે મોરબી કલેકટર તંત્ર દ્વારા લગ્નના આયોજન માટે જરૂરી નિયમો પાળવા માટે અધિક સૂચનાઓ જારી કરી છે. જેનું પાલન થાય છે નહીં તે અંગે ચેકીંગ ટિમો પણ બનાવાશે તેવું જણાવ્યું છે.

મંગળવારે રાત્રીના બાર વાગ્યાથી રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ને અનુલક્ષીને નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ મોરબી જિલ્લા કલેકટર દ્વારા પણ જાહેરનામું બહાર પડાયું છે. જે મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ જાહેરનામું લાગુ થવા જઈ રહ્યું છે. જાહેરનામા મુજબ મંગળવાર રાત્રે ૧૨ વાગ્યાથી શરૂ કરીને નવી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી લગ્ન અને સત્કાર સમારંભ કે સગાઈ અને મૃત્યુ બાદની વિધિ માટે ઉપસ્થિત રહેનાર મહેમાનોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. જે મુજબ શુભ પ્રસંગોમાં કુલ મળીને ૧૦૦ વ્યક્તિઓને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવી છે, જ્યારે માઠા પ્રસંગોમાં મહત્તમ ૫૦ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ મુજબ તથા લાગુ પડતી અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ હેઠળ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ ૨૦૦૫ની કલમો ૫૧થી ૬૦ની જોગવાઈઓ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આવી કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી લઈને નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવનાર તમામને અધિકૃત કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા ઉપરોક્ત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના તમામ નાગરિકને જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત મોરબી કલેકટર દ્વારા આ જાહેરનામની કડક અમલવારી માટે નિયમો જાહેર કર્યા છે. જે નિયમો તમામ લગ્નના આયોજકોએ પાળવા પડશે.

મોરબી કલેકટર દ્વારા લગ્ન પ્રસંગ માટે જાહેર કરેલા નિયમો

1) લગ્ન પ્રસંગમાં હાજર રહેનાર 100 વ્યક્તિઓના નામ સાથેની યાદી તૈયાર રાખવાની રહેશે.

2) લગ્ન સમારંભ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.

3) લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનો માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ કરે તેની તકેદારી રાખવાની રહેશે.

4) જરૂર જણાય આકસ્મિક ટીમોની રચના કરી ચેકીંગ કરી નિયમોના ઉલ્લંઘન બદલ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવશે.

5) લગ્ન સિવાયની અન્ય કોઈ ઉજવણી જેવી કે રીસેપ્શન, સત્કાર સમારંભ વિગેરે યોજવા પર સંપુર્ણ પ્રતિબંધ રહેશે.

આ સુચનાની ચુસ્ત અમલવારી સમગ્ર મોરબી જિલ્લામાં કરવાની રહેશે. જોકે રાહતની બાબત એ છે કે મોરબી જિલ્લામાં લગ્ન પ્રસંગ માટે કોઈ અલગથી મંજૂરી લેવાની કે તંત્રને કોઈ લેખિત જાણ કરવાની જરૂરિયાત નથી.

- text