મોરબી માર્કેટીંગ યાર્ડમાં 4 દિવસમાં કપાસની 19210 અને મગફળીની 16220 મણ આવક

- text


ટેકાના ભાવે અત્યાર સુધીમાં મોરબી અને ટંકારા સેન્ટરમાંથી 44836 મણ મગફળીની ખરીદી

મોરબી : મોરબીમાં દિવાળીના તહેવારોની રજા બાદ લાભપાંચમથી માર્કેટીંગ ધમધમી ઉઠ્યું છે. દિવાળી પછી મોટાભાગના ખેતરોમાં પાકના ઉતારાની સિઝન ભરપુર પ્રમાણમાં ચાલતી હોવાથી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી સહિતની અનેક જણસીઓ મોટા પ્રમાણમાં ઠલવાઇ રહી છે. જેમાં મોરબીના માર્કેટીંગ યાર્ડમાં 4 દિવસમાં કપાસની 19210 મણ અને મગફળીની 16260 મણ આવક થઈ છે. જો કે સરકારના ટેકાના ભાવની ખરીદીની તુલનાએ મોરબીના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની સૌથી વધુ ડાયરેકટ ખરીદી થઈ છે.

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં શનિ-રવિની રજાઓ બાદ ગઈકાલે સોમવારે મગફળી અને કપાસ સહિતની જણસીઓની ઢગલા મોઢે આવક થઈ હતી. જેમાં આજે 1550 કવીંટલ મગફળી અને 1613 કિવીંટલ જેટલી કપાસની આવક થઈ છે. એટલા મોટા પ્રમાણમાં આ જણસીઓની આવક થતા માર્કેટીંગ યાર્ડનો શેડ ટૂંકો પડ્યો હતો. યાર્ડના શેડમાં પણ જણસીઓને રાખવાની જગ્યા બચી ન હોય તેટલી આ જણસીઓની આવક થઈ હતી. દિવાળી પછી પાક ઉતારાની મોસમ વધુ વેગવંતી બનતા માર્કેટીંગમાં જણસીઓ રાખી ન શકાય એટલી માત્રામાં જણસીઓ ઠલવાઇ રહી છે. કપાસ, મગફળી ઉપરાંત ઘઉં, તલ, જીરું, બાજરી સહિતની જણસીઓની પણ નોંધનીય આવક થઈ છે.

માર્કેટીંગ યાર્ડમાં સૌથી વધુ મગફળીની ખરીદી સામે સરકારના ટેકાના ભાવે મગફળીની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં 26 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી. જેમાં ટંકારામાં સૌથી વધુ 9 797 ખેડૂતોનું ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન થયું હતું. ટંકારામાં કુલ 1880 ખેડૂતોની મગફળી ખરીદવા બોલાવ્યા હતા. તેમાંથી અત્યાર સુધીમાં 317 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. જ્યારે મોરબીમાં નોંધાયેલા 3721 ખેડૂતોમાંથી 940 ને બોલાવ્યા હતા. તેમાંથી 172 ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે. એટલે દરરોજ 100 ખેડૂતોને ફોન કરે છે. પણ ખેડૂતો બહુ ઓછા આવે છે. તેથી, હવે 150 ખેડૂતોને બોલાવવાની તજવીજ હાથ ધરાઈ છે. મોરબીના ખેડૂતોની મગફળીની ખરીદી થયા બાદ માળીયા તાલુકામાં નોંધાયેલા 637 ખેડૂતોની મગફળીની ખરીદી કરાશે. ટેકાના ભાવે અત્યાર સુધીમાં મોરબી અને ટંકારા સેન્ટરમાંથી 44836 મણ મગફળીની ખરીદી થઈ છે.

- text

- text