શિયાળો જામતા જનજીવન ગરમ વસ્ત્રોમાં કેદ, ઋતુ પરિવર્તનને કારણે શરદી-ખાંસીમાં વધારો

- text


મોરબીમાં પરોઢે ગુલાબી ઠંડીની મોજ લેવા મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યા વધી

મોરબી : દિવાળી પછી સામાન્ય રીતે ઠંડીની મોસમ શરૂ થઈ જતી હોય છે. પણ આ વખતે અધિક માસને કારણે વહેલું ઋતુ પરિવર્તન થતા દિવાળી પહેલા શિયાળાએ ધીમી ગતિએ દસ્તક દઈ દીધી હતી. જેમાં મોરબીમાં દિવાળી પહેલા અનુભવાતી ફૂલ ગુલાબી ઠંડીમાં હવે થોડો ચમકારો આવ્યો છે. ધીરેધીરે ઠંડીનો જોર વધતા જનજીવન ગરમ વસ્ત્રોમાં કેદ થઈ ગયું છે.

મોરબીમાં ઠંડીનું પ્રમાણ થોડું વધતા જનજીવન પ્રભાવિત થયું છે. બજારોમાં ગરમ વસ્ત્રો ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. શિયાળામાં ફળ ફળાદીના સેવનથી આરોગ્ય વધુ સારું રહેતું હોવાથી શાક માર્કેટમાં શિયાળાની ઋતુ અનુસાર ફળો પણ મબલખ પ્રમાણમાં ઠલવાયા છે. તેમજ ઠંડા પીણાનું સ્થાન ઉકાળા અને કાવાએ લીધું છે. સાથે સાથે જાતજાતની ચીકી બજારમાં પણ થોડો ગરમાવો આવ્યો છે અને જીંજરાનો વૈભવ પણ અલાયદો છે.

ટૂંકમાં, ઠંડી વસ્તુઓની જગ્યાએ હવે ગરમ વસ્તુઓની ડિમાન્ડ વધી ગઈ છે. જો કે શિયાળામાં સવારે નિયમિત કસરત અને વ્યાયામ કરવાથી આરોગ્ય વધુ બહેતર રહેતું હોવાથી વહેલી સવારે મોર્નિંગ વોક કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. ઘણા લોકો શહેરમાં વહેલી સવારે ચાલી કે દોડી તેમજ જીમમાં જઈને કસરત કરીને શરીરને એકદમ ચુસ્ત બનાવવામાં લાગી ગયા છે. જો કે ઋતુ પરિવર્તનની આરોગ્ય ઉપર અસર પડી છે અને લોકોમાં શરદી, ઉધરસનું પ્રમાણ પણ થોડું વધ્યું છે.

- text

- text