આજે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે : વાંચો.. સેરેબ્રલ પાલ્સીના દર્દીઓને ઉપયોગી અને માહિતીસભર લેખ

- text


યોગ્ય કાળજી, નિયમિત કસરત અને મજબૂત મનોબળ દ્વારા સેરેબ્રલ પાલ્સી વાળું બાળક પણ સામાન્ય જીંદગી જીવી શકે છે : ડૉ. ભાવેશ ઠોરીયા

મોરબી : આજે તા. 6 ઓક્ટોબર એટલે કે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે છે. જે નિમિત્તે સેરેબ્રલ પાલ્સીના દર્દીઓ તથા તેમના પરિવારજનોને ઉપયોગી થાય તેવો માહિતીસભર લેખ શાંતિ ફિઝીયોથેરાપી ક્લીનીકના ડૉ .ભાવેશ ઠોરીયા તેમના જ શબ્દોમાં નીચે મુજબ છે.

આજે 6 ઓકટોબર એટલે કે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે. સેરેબ્રલ પાલ્સી એટલે મગજનો લકવો. જે ગર્ભાવસ્થા દરમ્યાન કે બાળકના જન્મના એક-બે વર્ષ દરમ્યાન કોઈ કારણસર બાળકના મગજને ઇજા થવાથી થાય છે. જેમાં શરીરના સ્નાયુ ટાઇટ થઈ જવા, સ્નાયુનો કંટ્રોલ ગુમાવવો કે શરીરનું બેલેન્સ જાળવવામાં તકલીફ થાય છે. જેના લીધે બાળકને ઉઠવા-બેસવામાં, હલનચલનમાં, વસ્તુ પકડવામાં બોલવામાં કે ક્યારેક જોવા કે સાંભળવામાં પણ તકલીફ થાય છે. આથી, બાળકનો વિકાસ સામાન્ય બાળક ની સરખામણીમાં મોડો થાય છે.

સેરેબ્રલ પાલ્સી એ કોઈ રોગ નથી પણ શરીરની એક સ્થિતિ છે, જે સ્ટેબલ છે. જેમાં મગજમાં થયેલી ઈજામાં સમયાંતરે વધારો કે ઘટાડો થતો નથી. પરંતુ તેના કારણે થતી શારીરિક તકલીફોને યોગ્ય સારવાર દ્વારા ચોક્કસ નિવારી શકાય છે. આ સ્થિતિમાં ફિઝીયોથેરાપી સારવાર મહત્વનો ભાગ ભજવે છે. જેમાં NDT (ન્યુરો ડેવલપમેન્ટ થેરાપી) અને SI (સેન્સરી ઇન્ટીગ્રેશન) દ્વારા બાળકનો યોગ્ય વિકાસ કરી તેના જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. ઘણા કિસ્સામાં સ્નાયુની સ્થિતિ સ્થાપકતા માટે દવા કે સર્જરીની પણ મદદ લેવામાં આવે છે.

આ ક્ષેત્રમાં મારા 19 વર્ષના અનુભવના આધારે હું ચોક્કસપણે કહી શકું કે યોગ્ય કાળજી, નિયમિત કસરત અને મજબૂત મનોબળ દ્વારા સેરેબ્રલ પાલ્સી વાળું બાળક પણ સામાન્ય જીંદગી જીવી શકે છે અને પગભર થઈ શકે છે. દુનિયાભરમાં 17 મિલિયન બાળકો સેરેબ્રલ પાલ્સી સાથે જીવી રહ્યા છે. પરંતુ આજે પણ સમાજમાં આ બાબતે ઘણી ગેરમાન્યતા પ્રવર્તે છે. ઘણી જગ્યાઓએ કે જાહેર પ્રસંગોએ આવા બાળકોની અવગણના થતી હોય છે. તો ઘણીવાર આ બાળકો તેમજ તેમના માતા-પિતાને દયાની કે ઉપેક્ષાની નજરનો સામનો કરવો પડતો હોય છે.

- text

આ ઉપરાંત, ઘણી જગ્યાઓએ પુરતી માળખાગત સુવિધા ન હોવાથી બાળક પોતાની શારીરિક મર્યાદા સાથે ત્યાં જવાથી વંચિત રહી જાય છે. આ બધી સામાજિક સમસ્યાને ધ્યાનમાં લેતા બાળકના માતા-પિતાની સાથે સાથે સમાજમાં રહેતા દરેક વ્યક્તિની પણ એટલી જ જવાબદારી છે કે તે આ બાળકોની અવગણના ન કરતા તેમના પ્રત્યે પણ પ્રેમ અને એક સમાન દ્રષ્ટિ કેળવે. આ ઉપરાંત, સમાજના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ તરીકે બાળકના જીવનની ગુણવત્તા સુધારવા સ્કૂલ,બાગ-બગીચા, જાહેર સ્થળ, જાહેર કાર્યક્રમ, વિવિધ સ્પર્ધા વગેરે જગ્યાએ બાળક પોતાની શારીરિક મર્યાદા સાથે પણ જઈ શકે અને સમાજના સામાન્ય પ્રવાહ સાથે વહન કરી શકે તે માટેનું યોગ્ય માળખું તૈયાર કરવાની જવાબદારી સમાજની છે.

આજના દિવસે હું ડૉ .ભાવેશ ઠોરીયા સમાજને નમ્ર અપિલ કરું છું કે સેરેબ્રલ પાલ્સી વાળા બાળકને સમાન દરજ્જો આપી આપણી સામાજિક ભાવનાને મજબૂત બનાવીએ અને “CP FRIENDLY WORLD” બનાવવા પોતાનું શક્ય એટલું યોગદાન આપવાના સંકલ્પ સાથે સૌને “શાંતિ ફિઝીયોથેરાપી ક્લીનીક” વતી “વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે”ની હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text