કલેકટરનું નવું જાહેરનામું : મોરબી જિલ્લામાં હવે માસ્ક ન પહેરનારને રૂ. 1 હજારનો દંડ થશે

- text


હાઇકોર્ટની સૂચનાને પગલે સમગ્ર રાજ્યમાં એક સમાન દંડની જોગવાઈ લાગુ કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક વિના નીકળતા લોકો સામે આકરા દંડની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. જો કે અગાઉ માસ્ક ન પહેરવા બદલ રૂ. 500 નો દંડ હતો. હવે તેમાંથી વધારીને રૂ. 1 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટરે આ અંગે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આથી, હવે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર લોકોને રૂ 1 હજારનો દંડ થશે.

- text

મોરબી સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની મહામારીને લઈને અગાઉથી દરેક લોકોને જાહેર સ્થળોએ નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે લોકડાઉન ખુલ્યા બાદ અમુક લોકોની બેફિકરાય વધી ગઈ છે. બજારોમાં કે જાહેર સ્થળોએ નીકળતા ઘણા લોકો માસ્ક વગર બિન્દાસ્ત ફરતા જોવા મળે છે. આથી, લોકોની બેફિકરાયના કારણે દંડની રકમ પણ વધતી ગઈ છે. જો કે શરૂઆતમાં માસ્ક ન પહેરવા બદલ રૂ. 200નો દંડ થતો હતો. ત્યારબાદ રૂ. 500નો દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આમ છતાં પણ ફરજીયાત માસ્કના નિયમનું ઉલ્લંઘન થતા રાજ્ય સરકાર દ્વારા નવા દંડની જોગવાઈ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આથી, હાઇકોર્ટે આ મુદ્દે રાજ્યમાં એક સમાન દંડની જોગવાઈ લાગુ કરવાની સૂચના આપી હતી. આથી, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં હવેથી જાહેર સ્થળો માસ્ક પહેર્યા વગર નીકળેલા લોકો સામે રૂ. 1 હજારનો દંડ કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ જાહેરનામું આગામી 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

- text