રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં મોરબી જિલ્લાના શિક્ષકને સ્થાન મળ્યું

- text


મોરબી : શિક્ષક એ સમાજની મૂડી છે. શિક્ષક એ ખરા અર્થનો બાળકનો ચાલક, પાલક અને સંચાલક છે. શિક્ષક એ ભારતનો ભાગ્ય વિધાતા અને નવ નિર્મિત રાષ્ટ્રનો આધાર સ્તંભ છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ દર વર્ષે રાજયના કર્મઠ અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી ૭ કેડરમાં રાજ્યના ૪૪ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરાઇ. જેમાં મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત હળવદ તાલુકાની નવા ઘનશ્યામગઢ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણભાઇ શંકરભાઇ પટેલની પસંદગી થતા મોરબી જિલ્લા શિક્ષણ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે.

છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો હોય તેમ વિવિધ સ્પર્ધાઓ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, શાળાની ભૌતિક સુવિધાથી લઈને શાળાની શૈક્ષણિક અભિવૃદ્ધિ અને સરકારી શાળામાં નામાંકન ક્ષેત્રે દિન પ્રતિદિન રાજ્યકક્ષાએ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે.

- text

ગત વર્ષે ૨૦૧૯ મા મોરબી જિલ્લાના ત્રણ શિક્ષકોની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થઇ હતી. વર્ષ ૨૦૨૦ માટે ફરી એક વખત મોરબી જિલ્લાના શિક્ષકની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થતા મોરબી જિલ્લાનો શિક્ષણમા દબદબો જળવાઇ રહયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા સમગ્ર શિક્ષણ અને શિક્ષક પરિવાર વતી રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી પામતા પ્રવિણભાઇ પટેલને અભિનંદન પાઠવેલ છે. ચોમેરથી શ્રેષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ અને ટીમ એજયુકેશન મોરબીને અભિનંદન મળી રહ્યા છે.

મોરબી જિલ્લાને શિક્ષણની નવી ઉંચાઈ પર લઈ જવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા કમઁઠ, નિષ્ઠાવાન, પ્રામાણિક અને કાર્યદક્ષ શિક્ષકો અને ટીમ શિક્ષણ મોરબીને બિરદાવવામાં આવેલ છે.

- text