આત્મનિર્ભર ભારત અભિયાનમાં મોરબીના ઉદ્યોગે મહત્વની પહેલ કરી છે : ઉર્જામંત્રી

- text


રાજકોટમાં યોજાયેલી પ્રેસ-વાર્તામાં ઉર્જામંત્રી સૌરભ પટેલે વિસ્તારપૂર્વક મોરબીનો ઉલ્લેખ કર્યો
આઈ. કે. જાડેજાએ પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાની ટીકીટ મળવાના સંકેત આપ્યા

મોરબી : રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલ અને આઈ કે જાડેજાએ એક પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કર્યું હતું. આત્મનિર્ભર ભારત અભિયાન સંદર્ભે જાણકારી આપવા માટે યોજાયેલી આ પ્રેસ-વાર્તામાં ઉર્જામંત્રી સૌરભ પટેલે મોરબીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

સૌરભ પટેલે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન મોરબીના ક્લોક ઇન્ડસ્ટ્રીઝ અને સીરામીક ઇન્ડસ્ટ્રીઝનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ચાઈના સાથેનો વેપાર સીમિત કરવાની દિશામાં મોરબીના ઉધોગકારોએ એક સરાહનીય પગલું ભર્યું છે. ચાઈનાને બદલે મોરબીના ઉધોગકારો અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં પોતાને પ્રસ્થાપિત કરવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે ત્યારે આવનારા સમયમાં મોરબીના ઉધોગકારો સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત માટે એક દીવાદાંડીનું કામ કરશે. રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફ્રન્સ દરમ્યાન તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ અત્યારે રાજકોટથી સીધા જ મોરબી જવા રવાના થશે. જ્યાં આત્મનિર્ભર ભારત અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સ્થાનીય નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથે મીટીંગનું આયોજન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

- text

કાર્યકરોની સાથે કાંતિલાલની લાગણી છે કે મેરજાને ટિકિટ મળે : આઈ. કે. જાડેજા

પેટા ચૂંટણીમાં મોરબી-માળીયા બેઠક પરથી ભાજપની ટિકિટને લઈને સર્જાયેલા આંતરિક અસંતોષને આજે આઈ.કે.જાડેજાએ ઠંડો પાડી દેતું નિવેદન રાજકોટ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફ્રન્સ દરમ્યાન આપ્યું હતું. જાડેજાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાર્યકરો અને કાંતિલાલ અમૃતીયાની લાગણી પણ બ્રિજેશ મેરજાને જ ટિકિટ ફાળવાય એવી છે. આથી મોરબી-માળીયાની પેટા ચૂંટણી બીજેપી તરફથી બ્રિજેશ મેરજા જ લડશે. પાર્ટીમાં કોઈ આંતરિક અસંતોષ ન હોવાનો દાવો કરતા આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ બેઠકો ભાજપ જ જીતશે.

- text