બીજેપીમાંથી ટિકિટ મળવાની અટકળો વચ્ચે જેતપર ગામમાં બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનરો લાગ્યા

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના ગામના મુખ્ય પ્રવેશદ્વારે મેરજાને પ્રવેશબંધીના બેનરો લાગ્યા

મોરબી : રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી કુલ 3 સભ્યોના રાજીનામાં બાદ તેઓના ભાજપ પ્રવેશ અંગે હજુ સ્પષ્ટા થઈ નથી. જો કે એ દરમ્યાન બ્રિજેશ મેરજાને આવનારી પેટા ચૂંટણીમાં બીજેપીની ટિકિટ મળશે એવા અહેવાલો વચ્ચે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના ગામ જેતપરમા મેરજા વિરુદ્ધ બેનરો લાગતા આંતરિક અસંતોષ સપાટી પર આવી રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અલબત્ત મેરજાના રાજીનામાં બાદ સોશિયલ મીડિયામાં અમૃતિયા સમર્થકો દ્વારા મેરજા વિરુદ્ધ કેમપેઇન શરૂ થયું હતું જે હવે શેરીઓમાં પહોંચ્યું છે.

મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્ય પદ પરથી અચાનક રાજીનામુ ધરી દેતા આવનારી પેટા ચૂંટણીમાં બીજેપી મેરજાને મોરબી સીટ પરથી ચૂંટણી લડાવશે અને તે પહેલા મેરજાના ભાજપ પ્રવેશને લઈને ચાલી રહેલી અટકળોને વેગ મળે એવો ઘટનાક્રમ સામે આવ્યો છે. મેરજા સામે ચૂંટણી લડીને હારેલા કાંતિલાલ અમૃતીયાના ગામ જેતપરમા બ્રિજેશ મેરજાએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં એ મુજબના બેનરો લગતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. આ બાબતે જેતપર ગામના સરપંચ વીણાબેન ગૌસ્વામી સાથે મોરબી અપડેટની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યા મુજબ ગામના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ ગ્રામપંચાયતની કચેરી કે, જે બન્ને બાજુબાજુમાં જ છે ત્યાં ઉક્ત લખાણવાળા બેનરો લગાવ્યા છે.

- text

એવું મનાઈ રહ્યું છે કે અમૃતીયાના સમર્થકો દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં દેશનું અપમાન કરનાર, સમાજદ્રોહી અને પક્ષપલ્ટુ એવા બ્રિજેશ મેરજાએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં એવું લખાણ જોવા મળી રહ્યું છે. ત્યારે આવનારી ચૂંટણીને લઈને બ્રિજેશ મેરજાની ભાજપ માંથી ઉમેદવારી મુદ્દે ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમા પર પહોંચશે એવું રાજનીતિના જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text