બહુત બહુત શુક્રિયા આપ લોગો કા, હમકો ઘર જાને મે આપ લોગોને બહુત સહયોગ કિયા : ઝારખંડના શ્રમિક

- text


મોરબીથી ઝારખંડ જતાં પરપ્રાંતિય શ્રમિકે વતન પહોંચીને કલેકટર, એસપી અને મોરબી અપડેટને ટેગ કરી ટ્વિટર પર આભાર માન્યો

મોરબી : ધરતીનો છેડો ઘર… હાલના કપરા કાળમાં સૌ કોઇ પોતાના ઘર તરફ દોટ લગાવી રહ્યું છે. મોરબી જિલ્લો સમગ્ર દુનિયાભરમાં સિરામીક ઉદ્યોગનું હબ ગણાય છે એટલે સ્વાભાવિક છે કે અહીં તમામ પ્રકારના કારીગર અને મજૂર વર્ગ હોય. કોરોનાના કારણે લોકડાઉન થયું અને પરપ્રાંતિય શ્રણિકોને પોતાના વતન જવા માટે ટ્રેન મારફતે જવા માટે વ્યવસ્થા પણ ઉભી કરી.

મોરબીના પરપ્રાંતિય શ્રમિકોને કોઇપણ જાતની તકલીફ ઉભી ન થાય, બાળકો, વૃદ્ધો, મહિલાઓ કે કોઇપણ શ્રમિકો હોય તેમની સેવામાં કોઇપણ પ્રકારની કચાશ રખાઇ નથી. શ્રમિકોને માદરે વતન જવા માટે સીરામીક એસો. અને સામાજિક સંસ્થાઓએ જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે મળીને સુંદર આયોજન કર્યું છે. શક્ય હોય ત્યાં સુધી જેમને પણ પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી તેવા દેશના કોઇપણ રાજ્યમાં જવા માંગતા તમામ પરપ્રાંતિય શ્રમિકોને જવાની વ્યવસ્થા કરાઇ. આ પ્રકારની વ્યવસ્થામાં મોરબી જિલ્લાએ અગ્રીમ સ્થાન લીધુ છે તેવું ફક્ત અહીંના અધિકારીઓ જ નહીં પરંતુ અહીં મોરબીને પોતાની કર્મભૂમિ બનાવીને અહીં વસતા શ્રમિકો પણ દિલથી મોરબીના વહિવટી તંત્ર અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં જ મોરબીથી અન્ય રાજયોમાં શ્રમિકોને ટ્રેન મારફતે પોતાના વતન તરફ મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર કામગીરી દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે, શ્રમિકોને ટ્રેનમાં પોતાની સીટ મળી રહે તે માટે પોલીસ સ્ટાફ પણ સતત ખડે પગે ફરજ બજાવી રહ્યું છે. આ સમગ્ર કામગીરીમાં ખુદ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી રાધીકાબેન ભારાઇ, પીઆઇ આર.જે. ચૌધરી, એલસીબી પીઆઇ જે.એમ. આલ સહિતનો પોલીસ સ્ટાફ શ્રમિકોની મદદ માટે સતત હાજર રહીને કામગીરી સંભાળી રહ્યા છે. તો મુસાફરી દરમિયાન પ્રવાસીઓને ખાવા પીવાની કોઇ મુશ્કેલી ન પડે તે માટે મોરબી સિરામીક એસોસિએશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફૂડ પેકેટ તેમજ પાણી વિતરણની કામગીરી સંભાળવામાં આવી રહી છે.

- text

ત્યારે મૂળ ઝારખંડના અને હાલે મોરબીમાં રહી રોજીરોટી મેળવતા ગુલામ અંસારી નામના પરપ્રાંતિય શ્રમિક પોતાના વતન પરત ફર્યા બાદ ટ્વીટરના માધ્યમથી મોરબી કલેકટર, મોરબી એસપી તથા મોરબી અપડેટને ટેગ કરી આભાર વ્યક્ત કર્યો હતો. ટ્વીટરના માધ્યમથી ગુલામ અંસારીએ જિલ્લા પોલીસવડા, મોરબી કલેક્ટર અને મોરબી અપડેટને ટેગ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. તો જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા અને મોરબી કલેક્ટરએ પણ ટ્વીટરના માધ્યમથી જ મોરબી તંત્રની કામગીરી પ્રત્યે લાગણી દર્શાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટ આવ્યા બાદ સમગ્ર મોરબી જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાની કામગીરી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

- text