મોરબીમાં આડેધડ હોર્ડિંગ્સથી ઘેરો બનતો ટ્રાફિક પ્રશ્ન, કલેકટર ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી માંગ

- text


વીજપોલ ઉપર આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ ટ્રાફિક માટે નડતરરૂપની સાથે જોખમકારક પણ

મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા પાછળ શહેરના મુખ્ય ચોક અને આડેધડ ગેરકાયદે લગાવેલા હોર્ડિંગ્સ પણ જવાબદાર છે. જોકે હમણાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા નડતરરૂપ હોર્ડિંગ્સ અને વિજપોલ ઉપરના હોર્ડિંગ્સ દૂર કરવા અભિયાન હાથ ધર્યું હતું. ત્યારે જિલ્લા કલેકટર આ પ્રશ્નને કાયમી નિવારવા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી જાગૃત નાગરિકો માંગ ઉઠાવી રહ્યા છે.

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેની પાછળનું એક કારણ ગેરકાયદેસર રીતે મુખ્ય ચોક અને થાંભલાઓ પર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પણ છે. જેથી તાજેતરમાં પોલીસ અને પાલિકા તંત્રએ મળીને 1500 જેટલા નડતરરૂપ હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી પણ કરી હતી. હજુ પણ અનેક જગ્યાએ હોર્ડિંગ્સ યથાવત રહ્યા છે. આ હોર્ડિંગ્સ રોડ ઉપર જગ્યા રોકતા હોય માટે ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય છે.અને વધુમાં હોર્ડિંગ્સ વીજપોલ ઉપર લગાવવામાં આવ્યા હોય દુર્ઘટના સર્જવવાનું પણ જોખમ રહે છે. જેથી પોલીસ પણ આ હોર્ડિંગ્સની સમસ્યા નિવારવા કડક હાથે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ આડેધડ હોર્ડિંગ્સની સમસ્યાને લઈને હોર્ડિંગ્સ લગાવનાર અમુક સ્કૂલ અને જે તે કંપનીને લેખિતમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાની પણ તાકીદ કરી છે.

- text

ત્યારે શહેરના જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવડાવીને પોતાની જાહેરાત કરાવનાર પેઢી કે કંપનીના સંચાલક સામે ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવે.

- text