રાજ્ય સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે

- text


જોકે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું કાલે મંગળવારે સવારે બહાર પડે તેવી શકયતા

રાજ્યના નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં તમામ ધંધા વેપારની છૂટ : એસટી-કેબ-ઓટો સેવા શરૂ થશે : મોરબીમાં એસટી બસો અંગે કાલે ફાઇનલ નિર્ણય લેવાશે

નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં મળેલી છૂટછાટ સવારે 8થી 4 દરમિયાન જ મર્યાદિત

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો સહિતની તમામ દુકાનો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે મોરબી જિલ્લામાં પાન માવા ચા સિવાયની તમામ દુકાનો પર પહેલાથી જ છૂટ અપાયેલી છે. અને રાજ્ય સરકારની જાહેરાત મુજબ કાલ મંગળવારથી પાન,માવા અને ચાની દુકાનો પણ ખોલી શકાશે. જોકે આ અંગેના નિયમો સાથેનું ઓફિસયલી જાહેરનામું મોરબી જિલ્લા કલેકટર દ્વારા કાલ સવારે બહાર પડાય તેવી શક્યતાઓ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન -4 ની ગાઈડલાઈન જાહેર કરી છે. જેની અમલવારી આવતીકાલે મંગળવારથી થવાની છે. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કન્ટેઇનમેન્ટ અને નોનકન્ટેઇનમેન્ટ એમ બે ઝોન હશે. આ બન્ને ઝોન પોઝિટિવ કેસની સંખ્યાના આધારે અપડેટ થતા રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં બધા પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. વધુમાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ સિવાય એસટી બસ સેવા શરૂ કરવામાં આવશે.

- text

અમદાવાદ- સુરત સિવાયના તમામ શહેરોમા ઓટો રીક્ષા ચાલુ થઈ શકશે. એક રિક્ષામાં વધુને વધુ બે વ્યક્તિ બેસી શકશે. આવીજ રીતે નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં કેબ અને ટેક્ષી ચાલુ થઈ શકશે. જેમાં ડ્રાઇવર અને અન્ય બે વ્યક્તિ બેસી શકશે. નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં પાન-બીડીના ગલ્લા સહિતની તમામ દુકાનો ખુલી શકશે. દુકાનદારોએ ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે.

રેસ્ટોરન્ટ હોમ ડિલિવરી સેવા ચાલુ કરી શકશે. હાઇવે ઉપર ધાબા- હોટેલો ખુલી શકશે. સમગ્ર રાજ્યમાં પબ્લિક લાઈબ્રેરી 60 ટકાની કેપેસિટી સાથે ચાલુ થઈ શકશે. નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 દરમિયાન જ બધી છૂટછાટ મળી શકશે.

જોકે રાજ્ય સરકારે આપેલી છૂટછાટ અંગે ફાઇનલ નોટિફિકેશન મોરબી જિલ્લા કલેકટર તંત્ર બહાર પાડશે. અને સૂત્રોના જણાવ્યા મુજબ આ જાહેરનામું કાલે મંગળવારે સવારે બહાર પડે તેવી શક્યતા છે. અને જિલ્લા કલેકટરના જાહેરનામા બાદ જ દુકાનો ખોલવાનો સમય અને નીતિ નિયમો ફાઇનલ થશે.

જ્યારે મોરબી જિલ્લામાં એસટી બસ સેવા ક્યાં રૂટમાં શરૂ કરાશે અનો નિર્ણય કાલે ફાઇનલ થવાનું એસટીના સૂત્રોએ જણાવ્યું છે.

- text