હળવદ તાલુકાના કોરોના વોરિયર ડૉ. નિમિષાબેન સોનગ્રાનું અભિવાદન કરાયુ

- text


રણજિતગઢ ગામની દીકરી કોરોના વોરિયર ડૉ. નિમિષાબેન સોનગ્રાએ અમદાવાદના શાહપુર હોટસ્પોટ ખાતે આપી હતી આરોગ્ય સેવા 

હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામના દીકરી અને ધ્રાંગધ્રા તાલુકામાં RBSK ડોકટર તરીકે ફરજ બજાવતા ડૉ. નિમિષાબેન સોનગ્રાને ડેપ્યુટેશન પર અમદાવાદના કોરોનાગ્રસ્ત એવા હોટસ્પોટ વિસ્તાર શાહપુર ખાતે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફરજ પર મૂકેલ હતા. આ દરમિયાન ડૉ. નિમિષાબેન અને ટીમના અન્ય સાથી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી અને સાચા કોરોના વોરિયર તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવેલ. આ સમયગાળા દરમિયાન ડૉ. નિમિષાબેન સહિત ડોકટર્સના કોરોના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા ત્યારે ડૉ. નિમિષાબેનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે તેમની સાથે કામ કરતા અન્ય ડોકટર્સના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવેલ. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમને હોમ કોરોન્ટાઇન રહેવા માટે કહ્યું. આથી નિમિષાબહેન ધ્રાંગધ્રા ત્યાર બાદ હળવદ આવેલ. હળવદ સામુહિક કેન્દ્ર ખાતે ફરી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સદનસીબે તે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવેલ અને ડૉ નિમિષાબેનને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇનમાં રહેવાનું ફરજ પરના ડોકટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું.

- text

હોમ કોરોન્ટાઇન દરમ્યાન વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી તાલુકા કોરોન્ટાઇન ફેસિલિટી મોર્ડન સ્કૂલ ખાતે ડૉ. નિમિષાબેનને રાખવામાં આવ્યા હતા. તાલુકા વહીવટી તંત્રએ આ સમયે પૂરતો સહકાર આપ્યો હતો. એ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કતીરાસાહેબ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ કોરોન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી હતી. આજે જ્યારે નિમિષાબહેનનો કોરોન્ટાઇન પિરિયડ પૂરો થતાં ડૉ. નિમિષાબેન દ્વારા ફરી કોરોના વોરિયર તરીકે ફરજ બજાવવાનો નિર્ણય કરતા નારીશક્તિના અદભુત દર્શન થયા હતા. ડૉ. નિમિષાબહેનેઆજે ફરી ફરજ પર કોરોના વોરિયર તરીકે જવાનો નિર્ણય કરતા તેમનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ડૉ. નિમિષાબહેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મામલતદાર વી.કે.સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન ભટ્ટી, પી.આઈ. સંદીપ ખાંભલા, ડૉ. સી.ટી.પટેલ, ડૉ.મયુર કણઝરીયા, ડૉ હર્ષદ લોરીયા, ડૉ.સુનિલ કણઝરીયા, ડૉ.ચાંદની પટેલ સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહી કોરોના વોરિયર ડૉ. નિમિષાબહેનના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

- text