હળવદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી મેદાને!

- text


આમ આદમી પાર્ટીના હોદ્દેદારો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરી રહ્યા છે બેઠકો

હળવદ : જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ગણતરીના મહિનાઓમાં જ બાકી રહ્યા છે ત્યારે હળવદમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકનો દોર શરૂ કર્યો છે. સાથે જ મજબૂતાઈથી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાનું આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જણાવી રહ્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીથી આમ આદમી પાર્ટી વિજેતા થતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે હળવદમાં પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સક્રિય બન્યા છે. હળવદ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી શકે તેવા હેતુ સાથે હળવદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના હોદ્દેદારો દ્વારા લોકો સાથે બેઠકો કરી રહ્યા છે અને અત્યારથી જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે.

- text

હળવદમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગ જામતો હતો પરંતુ હવે ત્રિપાંખિયો જંગ જોવા મળશે! આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાની અત્યારથી તૈયારીઓ આરંભી દેવાઇ છે. જેના ભાગરૂપે પાર્ટીના હોદ્દેદારો દ્વારા બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

જેમાં ગત રાત્રીના સુરવદર રોડ પર આવેલ પાટાવાળા હનુમાનજી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના જેઠાભાઈ પટેલ, કમલેશભાઈ ડઢાણીયા, વિપુલભાઈ પટેલ, પ્રવીણભાઈ તેમજ ધર્મેન્દ્રભાઈ સહિતના હોદ્દેદારો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે. જેથી, દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કરેલા કામોને લોકો સુધી પહોંચાડવામાં આવે અને લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય જેનું અભિયાન ચાલુ કરવા હાકલ કરાઇ હતી.

- text