વાંકાનેરમાં ધો.10, 12ની બોર્ડની પરીક્ષામાં નિયમોનું ઉલંઘ્ઘન : વિદ્યાર્થીઓ પરેશાન

- text


જવાબદાર અધિકારી મનમાની ચાલવીને પોતાના મનસ્વી વલણ પ્રમાણે નિયમો લાગુ કરતા વિદ્યાર્થીઓ હેરાન : સમગ્ર મામલે જિલ્લા કલેકટર દરમ્યાનગિરી કરે તેવી માંગ

વાંકાનેર : હાલ રાજ્યમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે અને વિદ્યાર્થીઓએ છેલ્લા એક વર્ષથી પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આવે તે માટે સખત મહેનત કરી છે. વિદ્યાર્થીઓ શાંતિથી એકાગ્રતાથી પરીક્ષાઓ આપી શકે, એ માટે સમગ્ર તંત્ર દ્વારા આયોજનબધ્ધ કાર્ય કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીના એક પછી એક આવતાં હુકમો પરીક્ષા કેન્દ્ર તેમજ વિદ્યાર્થીઓ માટે માનસિક હેરાન કરતાં હોવાની રાવ ઉઠી છે. આ સમગ્ર પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે થવું જોઈએ, તેમાં મોરબી જિલ્લામાં કોઈ વ્યવસ્થિત આયોજન ન હોય તેવું જણાઈ રહ્યું છે અને આ આયોજનની ગંભીર ભૂલોનું ભૂગતાન વિદ્યાર્થીઓ કરી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે.

તાજેતરમાં જ મોરબી જીલ્લાના વાંકાનેર સેન્ટરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા કેન્દ્ર શારદા વિદ્યાલયને પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં અચાનક રદ કરી ધોરણ 10 માટે અમરસિંહજી હાઇસ્કુલ અને ધોરણ 12 માટે ગર્લ્સ હાઇસ્કુલ ને તાત્કાલિક પસંદ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાના બે દિવસ પહેલાં જ પરીક્ષા સ્થળ ફેરફાર થતા માનસિક પરિતાપ થયેલ અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓની માનસિક હાલત કફોડી થઈ હતી.

ઉપરાંત, બોર્ડની પરીક્ષાની ઝોનલ અને સુપરવાઈઝરની કામગીરીના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના સેંકડો હુકમો કાઢવમાં આવ્યા છે. દરેક કામગીરીના હુકમો એક જ ઓફિસમાંથી કાઢવામાં આવે છે છતાં એક વ્યકિતના બે હુકમો કાઢવામાં આવેલ છે. એક જ વ્યક્તિના ઝોનલ અને સુપરવાઈઝર એમ બે ઓર્ડર કાઢવામાં આવેલ છે. વળી, ઘણા શિક્ષકો હાલ તાલીમમાં પણ છે તંત્ર દ્વારા શિક્ષકોને સત્તત તાલીમ પણ આપવી છે અને બોર્ડની પરીક્ષાની કામગીરી પણ આપવી છે. આમ, ડબલ કામગીરીના હુકમોના છબરડાના કારણે શિક્ષકો વિમાસણમાં મુકાયા હતા. મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીનો સૌથી મોટો ભોપાળો આગામી તારીખ 16/3 ના રોજ ધોરણ-10 અને ધોરણ-12 ના સંગીત વિષયની પરીક્ષાના પેપરમાં થયો છે. જેનાં આયોજનમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નિર્મલા કોન્વેન્ટ સ્કુલ અને કે.કે. શાહ માધ્યમિક સ્કૂલમાં બંને પરીક્ષાઓ એકસાથે યોજાતાં હોબાળો મચી ગયેલ અને અચાનક આવડો મોટો ભોપાળો છતો થતાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 10નું પરીક્ષા કેન્દ્ર માટે તેજ બંને સ્કૂલ રાખવામાં આવેલ છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે નિર્મલા કોન્વેન્ટ હાઇસ્કૂલના પરીક્ષાર્થીઓ માટે અમરસિંહજી હાઈસ્કૂલ અને કે. કે. શાહ માધ્યમિક વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર મોડર્ન હાઈસ્કૂલ રાજવડલામાં પરીક્ષા કેન્દ્ર તરીકે ફેરવવામાં આવેલ છે.

- text

આ પરીક્ષા કેન્દ્રો ફેરફાર કરવામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ ભાંગરો વાટયો હોય તેમ મોડર્ન હાઈસ્કૂલ રાજવડલા ને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ મંત્રીની રજૂઆતથી પરીક્ષા સ્થળ તરીકે રદ કરવામાં આવેલ હોવા છતાં પોતાની મનમાની ચલાવી બોર્ડની ઉપરવટ જઈ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મોડર્ન સ્કૂલને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતાં જિલ્લા શિક્ષણ અધિકારીના હુકમ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. જ્યારે પરીક્ષા કેન્દ્ર બોર્ડ દ્વારા રદ કરવામાં આવેલ છે ત્યાં પરીક્ષા કેન્દ્ર કેમ આપવામાં આવ્યું? અને ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને કેન્દ્ર ફેરફાર થતાં સતત માનસિક ત્રાસ અપાતો હોય તેવું વિદ્યાર્થીઓમાંથી જાણવા મળેલ છે. શું જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓને આ સતત માનસિક પરિતાપ આપવા માટે આવા નિર્ણયો લઇ રહ્યા છે કે બોર્ડની પરીક્ષાઓના આયોજનના અનુભવનો અભાવ છે તે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ મોરબી કલેકટરશ્રી તપાસ કરી તે વિદ્યાર્થી હિત માટે સાનુકૂળ રહેશે.

- text