ઓરેવા-અજંતા કંપનીની પહેલથી મંદીના સમયમાં મોરબીના નાના ઘડિયાલ ઉદ્યોગકારોને મળી રહી છે હૂંફ

- text


સ્પર્ધા નહીં પણ સહકારની ભાવનાથી અસંખ્ય નાના ઘડિયાલ ઉત્પાદકો મેળવી રહ્યા છે મોટો બિઝનેસ

મોરબી : સામાન્ય રીતે એવુ જોવા મળે છે કે જે ક્ષેત્રમાં મોટા ઉધોગકારો પ્રવેશ કરે એ ક્ષેત્રમાં નાના ઉધોગકારોનો બિઝનેસ ચોપટ થઈ જતો હોય છે. મોટા મૂડી રોકાણ સાથે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મોટા ઉધોગપતિઓ પ્રવેશે ત્યારે તેઓની સીધી સ્પર્ધા છુટ્ટા છવાયા નાના યુનિટો સાથે હોય છે. જેમાં મોટે ભાગે નાના અને અસંગઠિત યુનિટો ટકી શકતા નથી. મૂડીવાદી અર્થ વ્યવસ્થાનુ આ દુષણ ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘુસ્યુ છે ત્યારથી ઘણા નાના ઉધોગોનો મૃત્યુ ઘંટ વાગી ચુક્યો છે. જેની સીધી અસર રોજગારી પર થઈ રહી છે. જો કે મોરબીનો ઘડિયાર ઉધોગ આ બાબતમાં નસીબદાર છે કેમ કે પાછલા બે એક વર્ષથી મોરબીમાં ઘડિયાલ ઉધોગ ક્ષેત્રે સ્પર્ધા નહીં પણ સહકારની ભાવના વિકસી છે. જે અન્ય ક્ષેત્રના ઉધોગો માટે પણ પ્રેરણારૂપ છે.

આવનારા સમયને જાણે આગોતરો જ પારખીને મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે બે એક વર્ષ પહેલા મોરબીના નાના ઘડિયાલ ઉત્પાદકો સાથે સહકારની ભાવના સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે મોટા ઉધોગકારો આઉટ સોર્સિંગ કાર્ય પ્રણાલી સાથે નાના ઉધોગકારો પાસે જોબવર્ક કરાવતા હોય છે. પણ જયસુખભાઈએ તેનાથી આગળ વધીને નાના ઉધોગકારોને અન્ય સવલત આપીને ઘડિયાલ ઉધોગને મંદીના મારથી બચાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

મોરબી ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ ડાંગીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે આશરે બે એક વર્ષ પહેલા મોરબીના ક્લોક એસોસિએશનના મેમ્બરોની સાથે વિસ્તૃત ચર્ચા કરી જયસુખભાઈએ એક અનોખો પ્રસ્તાવ મુક્યો હતો. જે મુજબ સ્થાનીય નાના એકમો પાસેથી ઓરેવાની ક્વોલિટી અને જરૂરિયાત પ્રમાણે તેઓ ફિનિશ માલ ખરીદશે. જેના બદલામાં ઓરેવાની ટેક્નિકલ ટીમનો લાભ નાના એકમોને મળી રહેશે. વળી નાના યુનિટો પાસે પણ ઘણી વિશિષ્ટ સ્કિલ હોય તેનો વૈશ્વિક લાભ તેઓ મેળવી શકશે. નાના યુનિટોને ઓપન માર્કેટમાં પેમેન્ટ મેળવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે ઓરેવામાં આપવામાં આવતા ફિનિશ માલની સામે વધીને તેઓને સાત-આઠ દિવસમાં પેમેન્ટ મળી જાય છે. આથી, નાના યુનિટોને આર્થિક સંકડામણ અનુભવવી પડતી નથી. ઓરેવામાં ઘડિયારો તૈયાર કરીને આપવા છતા નાના યુનિટોને કોઈ મોટો કે ખાસ ઓર્ડર હોય ત્યારે તેઓ એ ઓર્ડર પહેલા પૂરો કરી શકે એવી પુરી સ્વતંત્રતાને કારણે નાના યુનિટો માટે ક્યારેય કામની અછત વર્તાતી નથી. પાછલા બે વર્ષ દરમ્યાન આશરે 15 લાખ યુનિટ જેટલી ખરીદી ઓરેવા ગ્રુપ તરફથી થઈ ચૂકી છે. નાના યુનિટોને જ્યારે જ્યારે પણ ઓરેવાની ટેક્નિકલ સહાય જોઈતી હોય તો એ કંપની દ્વારા ઉપલબદ્ધ કરાવાય છે. વિશેષ કેસોમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. પાછલા બે વર્ષોમાં આ કાર્યપધ્ધતિ પ્રમાણે કુલ 32 જેટલા મેન્યુફેક્ચરોએ ઓરેવા ગ્રુપ સાથે સહકરાત્મક રીતે કામ કર્યું છે. ઘણા નાના યુનિટોને ટ્રેઈન પણ કરાયા છે એવુ ક્લોક એસો.ના પ્રમુખ શશંકભાઈએ જણાવ્યું હતુ.

- text

લાતી પ્લોટમાં આવેલી આશરે 40 જેટલા નાના ઘડિયાલ એકમો પાસેથી નિયમિત પણે ફિનિશ માલ મેળવીએ છીએ તેવું જણાવતા ઓરેવા ગ્રુપના પ્રતિનિધિ દીપકભાઈ પારેખે મોરબી અપડેટને વધુ માહિતી આપતા કહ્યું હતુ કે, નાના ઉધોગકારો પાસે મોટે ભાગે માર્કેટિંગનું મર્યાદિત પ્લેટફોર્મ હોય છે. અલબત્ત મોટા ભાગના નાના યુનિટ માલિકો પાસે ખૂબ સારી અન્ય સ્કિલ હોય છે. આ સ્કીલનો તેઓને પૂરતો લાભ મળે એ માટે ઓરેવા ગ્રુપ હંમેશા પ્રયત્નશીલ રહે છે. ચાલીસેક જેટલા જે નાના યુનિટો સાથે ઓરેવા ગ્રુપ નિયમિતપણે સંકળાયેલું છે તેના થકી 1800થી 2000 લોકો રોજગારી મેળવે છે. હાલ વૈશ્વિક મંદીના સમયમા નાના ઉધોગકારોને ટકવું મુશ્કેલ છે ત્યારે ઘડિયાર ઉધોગ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકોની રોજગારી આ વ્યવસ્થાને કારણે જળવાઈ રહી છે. ઓરેવા ગ્રુપની કોર્પોરેટ સિસ્ટમને ફોલો કરવાને કારણે નાના ઉધોગકારોની કાર્ય પ્રણાલીમાં પણ ધરમૂળથી સકારાત્મક સુધારો આવ્યો છે. વળી નાના એકમો પાસે રહેલી કાર્યકુશળતાનો ઓરેવાને લાભ થયો છે જ્યારે નવી ટેકનોલોજીના અદાન પ્રદાનથી નાના ઉધોગકારોને પણ ખૂબ ફાયદો પહોંચ્યો છે. સમયસર પેમેન્ટ મળતા નાના ઉધોગકારો હાલ ચાલી રહેલી મંદીમાં પણ આર્થિક સંકડામણ નથી અનુભવતા કે નથી કોઈ વિશેષ આર્થિક બોજ તેઓ પર પડતો. અન્ય કોઈ ક્ષેત્રે આ રીતે સ્પર્ધા નહિ પણ સહકારની ભાવનાથી કાર્ય થતું નથી. જે ખરેખર થવું જોઈએ તેમ અંતમાં દીપકભાઈએ જણાવ્યું હતુ.

- text