મોરબી બેંકના લૂંટારુઓને દબોચવા હળવદ પોલીસ અને ગ્રામજનોએ જીવ સટોસટની બાજી ખેલી હતી, જાણો સમગ્ર વિગત…

- text


હળવદ નજીક પોલીસની ખાનગી કારને ઠોકર મારી નાસી છૂટેલા ખુંખાર અપરાધીઓને પકડવા પોલીસે પ્રજાની મદદ લીધી : ચૂંપણી, ખેતરડી, સુંદરી ભવાની, ગોલાસણ, માથક, દિઘડીયાના ગ્રામજનોએ ટ્રેકટર અને ગાડા રસ્તા આડે ગોઠવી ધાડપાડુઓને નાસી જતા રોક્યા

હળવદ : મોરબીમાં ધોળા દિવસે બંદૂકની અણીએ બેંકમાં લૂંટ કરી નાસી છૂટેલા પરપ્રાંતીય ખુંખાર અપરાધીઓ ગણતરીની કલાકોમાં ઝડપાઇ ગયા છે. જો કે ઘાતક હથિયારથી સજ્જ આ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવામાં હળવદ પોલીસ અને ગ્રામજનોની જાગૃતતા અને હિંમત કાબિલે દાદ રહી હતી. પ્રજા અને પોલીસ ખરા અર્થમાં મિત્ર છે તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું.

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આવેલી બેન્ક ઓફ બરોડામાં બંદૂકના નાળચે છ લાખ રૂપિયાથી વધુની લૂંટ કરી સ્વીફ્ટ કારમાં નાસી છુટેલા ધાડપાડુઓને પકડી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમ્યાન લૂંટારૂઓ હળવદ તરફ નાસ્યા હોવાની હકિકત મળતા જ હળવદ પોલીસ સ્ટાફના ઝાંબાઝ અરવિંદભાઈ જાપડીયા, કિરીટભાઈ જાદવ, ભરતભાઈ ચરમટા, અરજણભાઈ ભરવાડ, ભરતભાઇ આલ અને બીપીનભાઈ પરમારે મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી હતી. લુટારુઓ મોરબીથી હળવદ પહોચતા જ પોલીસને જોઈને પરિસ્થિતિ પામી ગયા હતા. લૂંટારુઓએ પોલીસને જોઈ કાર પુરપાટ ઝડપે હંકારી પોલીસના વાહનને ઠોકર મારી હળવદના ગ્રામ્ય વિસ્તાર તરફ ગાડી હંકારી મૂકી હતી. બીજી તરફ હળવદ પોલીસની ટીમ પણ લૂંટારૂ ટોળકીથી એક ડગલુ આગળ નીકળી હતી અને પળવારનો પણ વિલંબ કર્યા વગર ચુપણી, ખેતરડી, રામપરા, સુંદરી ભવાની, માથક, ગોલાસણ, દિઘડીયા સહિતના ગામના લોકોને લૂંટની ઘટનાથી વાકેફ કરી લૂંટારૂ ટોળકી તેમના ગામ તરફ આવતી હોવાથી કોઈપણ ભોગે રોકવા જણાવ્યું હતું. આમ હળવદ પોલીસ જવાનોના એક ફોનથી જ ચુપણી, ખેતરડી, રામપરા, સુંદરી ભવાની, માથક, ગોલાસણ સહિતના ગામના લોકો રસ્તા ઉપર ઉતરી આવી ટ્રેક્ટર અને ગાડાઓ રસ્તાની વચ્ચે ગોઠવી દીધા હતા. આ અરસામા લૂંટારૂઓની કાર નીકળતા જ હોહા ગોકીરા સાથે તેમનો પીછો કર્યો હતો.

- text

વધુમાં ખેતરડી ગામ નજીક ગ્રામજનોએ અને પોલીસે બહાદુરીથી લૂંટારૂઓનો સામનો કર્યો હતો. હળવદ પોલીસના જાંબાજ ભરતભાઇ ચરમટા તેમજ અરજણભાઈ ભરવાડે તો લૂંટારુઓ પાસે હથિયાર હોવાની જાણ હોવા છતાં રીતસર બથો-બથ આવી ગયા હતા અને જીવના જોખમે ચારેય લૂંટારુઓને પોલીસ પકડમા લેવામા મદદરૂપ બન્યા હતા. આમ, આજની ચકચારી લૂંટની ઘટનામાં હળવદ પોલીસને મદદરૂપ બની હળવદ પંથકના ગ્રામજનોએ પોલીસ અને પ્રજા મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- text