મોરબી : બાઇક હોવા છતાં રાજકોટ ટ્રાફિક પોલીસની હાસ્યાસ્પદ ભૂલના કારણે એક્ટિવાનો મેમો આવ્યો!!

- text


છેલ્લા બે માસથી મોટર સાયકલ બંધ હોવા છતાં રાજકોટ ટ્રાફિક પોલીસે એક્ટિવાનો ખોટો ઈ મેમો ફટકાર્યો

મોરબી : રાજકોટ ટ્રાફિક પોલીસના ગંભીર છબરડાનો મોરબીના વધુ એક મોટર સાયકલ ચાલક ભોગ બન્યા છે. જેમાં તેમનું મોટર સાયકલ બે મહિનાથી બંધ છે. તેમ છતાં રાજકોટ ટ્રાફિક પોલીસની હાસ્યસ્પદ ભૂલને કારણે મોરબીના બાઇક ચાલકને એક્ટિવનો મેમો આવ્યો છે. રાજકોટ ટ્રાફિક પોલીસની તદ્દન વાહિયાત ભૂલોને કારણે લગાતાર ખોટા મેમો આવતા રહેવાથી મોરબીના વાહન ચાલકો મુસીબતમાં મુકાયા છે.

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇ ચલણ અસ્તિત્વમાં આવ્યા બાદ રાજકોટ ટ્રાફિક પોલીસે પોતાની ગંભીર ભૂલોને કારણે રાજકોટનું ઇ ચલણ સિસ્ટમ મોરબીના વાહન ચાલકો માટે ત્રાસદાયી પીડા સમાન બની રહી છે. ખાસ કરીને મોરબીથી એવા ઘણા વાહન ચાલકો હોય છે. જે તેમનું વાહન લઈને રાજકોટ ગયા જ નથી હોતા. તેથી, ટ્રાફિકના નિયમોના ભંગનો સવાલ જ નથી. તેમ છતાં મોરબીના આવા ઘણા લોકોને અત્યાર સુધીમાં રાજકોટ પોલીસે ગંભીર બેદરકારી રાખીને ખોટા ઇ મેમો ફટકાર્યા છે.

- text

પણ હવે તો રાજકોટ ટ્રાફિક પોલીસે બેદરકારીની હદ વટોળી દીધી છે. જેમાં મોરબીના એક બાઇક ચાલકને એક્ટિવાનો ખોટો ઇ મેમો ફટકાર્યો છે. મોરબીના વાડી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ કંઝારીયાને રાજકોટનો ખોટો ઇ મેમો ફટકાર્યો છે. જો કે રાજકોટ ટ્રાફિક પોલીસની આ ગંભીર ભૂલ આંખે ઉડીને વળગે એવી છે. કારણ કે મોરબીના સુરેશભાઈને મોટર સાયકલ છે અને એ પણ બે મહિનાથી બંધ છે. તેઓ રાજકોટ બીજાનું વાહન લઈને પણ ગયા નથી. આમ છતાં રાજકોટ પોલીસે તેમને એક્ટિવાનો ખોટો મેમો ફટકાર્યો છે. આ એક્ટિવા તેમનું છે જ નહીં. તેમ છતાં થોડા દિવસો પહેલા રાજકોટમાં એક્ટિવા લઈને ટ્રાફિકનો ભંગ કર્યો હોવાનું જણાવીને રાજકોટ ટ્રાફિક પોલીસે ખોટો ઇ મેમો ફટકાર્યો છે. જેથી, મોરબીના વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેથી, આ અંગે તંત્ર વહેલાસર સુચારુ વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.

- text