ચાવી બનાવવાના બહાને ઘરમાં હાથફેરો કરનાર શખ્સોના સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા

- text


કબાટની ચાવી બનાવવા શેરી-ગલીઓમાં નીકળતા શખ્સોથી સાવધ રહેવા પોલીસની અપીલ

મોરબી : મોરબીમાં કબાટની ચાવી બનાવી દેવાના બહાને બે શખ્સો મહિલાની નજર ચૂકવીને કબાટની તિજોરીમાં રાખેલા નવ તોલાના સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા. મહિલાએ આ બન્ને શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીને ઝડપી લેવા કવાયત આદરી છે. સાથો સાથ સરદારજી જેવો પહેરવેશ ધારણ કરેલા બન્ને શખ્સોના સીસીટીવી ફૂટેજ જાહેર કરી લોકોને જો આવા કોઈ શખ્સો ક્યાંય ફરતા જણાય તો સાવધાની રાખી તરત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

મોરબી વાવડીરોડ ગાયત્રીનગરની બાજુમાં જીવનજયોત સોસાયટી નવ નિર્માણ સ્કુલની પાસે આવેલ રમેશભાઇ ભગવાનજીભાઇ વાધડીયાના મકાનમાં ભાડેથી રહેતા નવાધનશ્યામગઢ -હળવદના વતની ગીતાબેન મનસુખભાઇ ઉર્ફે મનીષભાઇ ઉકાભાઇ ગોપાણી ઉ.વ.૩૬ નામના મહિલા ગત તા.૧ના રોજ પોતાના ઘરે હતા તે સમયે તાળાની ચાવી બનાવવાનું કામ કરતા બે સરદારજીઓ તેમના ઘરે આવ્યા હતા અને આ બન્ને શખ્સોએ ચાવી બનાવવાના બહાને આવી મહિલાના ઘરના કબાટની ચાવી બનાવતા સમયે કબાટમા બીજી ચાવી ફસાવી મહિલાને નજર ચુકવી કબાટની તિજોરીમા રાખેલ સોનાનું મંગળસુત્ર, સોનાના પાટલાનંગ-૨ , સોનાનુ પેન્ડલ સેટ-૧ એમ કુલ આશરે નવ તોલા વજનનું સોનુ (કિંમત રૂ.૨,૭૦૦૦૦) સેરવીને નાસી છૂટ્યા હતા. બાદમાં મહિલાએ કબાટમાં જોતા સોનાના દાગીના ન દેખાતા આ બન્ને શખ્સો કબાટની ચાવી બનાવવાના બહાને કળા કરી ગયાનું માલુમ પડતા તેમણે આ અંગે બન્ને શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે આ અંગે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.

- text

ત્યારે આજે પોલીસે આ બનાવ સંદર્ભે બન્ને ઠગના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. એસ.પી.ડૉ. કરનરાજ વાઘેલાએ આ ફૂટેજ જાહેર કરીને નાગરિકોને અપીલ કરી છે કે જો આ કે આવા પ્રકારની કોઈ કામગીરી કરતા શખ્સો જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરવી. જ્યારે કોઈ કબાટ કે તિજોરીનું તાળું લોક થઈ જાય અથવા ચાવી ખોવાઈ જાય ત્યારે તિજોરી બનાવનાર કંપની પાસેથી જ ચાવી બનાવડાવવી અથવા જ્યાંથી તે કબાટ કે તિજોરી ખરીદ કર્યા હોય તે અધિકૃત વ્યક્તિનો જ સંપર્ક સાધવો. શેરીમાં નીકળતા કે ચાર રસ્તા પર બેસતા કોઈ લેભાગુ લોકો પાસે ક્યારેય તાળાંની ચાવી બનાવવી નહીં.

- text