‘સહિ પોષણ, દેશ રોશન’ને ચરિતાર્થ કરવા હળવદમાં પોષણ અભિયાનનો પ્રારંભ

- text


રાજ્‍યનું એકપણ બાળક કુપોષિત ન રહે માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે : પરસોત્તમ સાબરીયા

હળવદ : હળવદ તાલુકામાં ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્‍તરમાં વધારો કરવાના હેતુસર યોજાયેલા પોષણ અભિયાનનો ધારાસભ્ય સાબરીયાના હસ્તે હળવદ તાલુકાના સાપકડા ગામેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ અવસરે ગુજરાતના દરેક બાળક, કિશોરી અને દરેક માતાને સુપોષિત બનાવવાના અભિયાનમાં સહયોગી બનવા અનુરોધ કરતાં ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયાએ જણાવ્‍યું હતું કે, રાજ્‍યનું એકપણ બાળક કુપોષિત ન રહે તેના માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. આંગણવાડીમાં વિવિધ પ્રકારના પૌષ્‍ટિક ખોરાક કિશોરીઓ, ધાત્રીમાતાઓ અને બાળકોને આપવામાં આવે છે, જેનું નિયમિત સેવન કરવું જોઇએ. તંદુરસ્‍ત ગુજરાત બનાવવા માટે સૌ સહિયારી જવાબદારીથી જોડાશું તો આ કાર્યક્રમને જરૂર સફળ બનાવી શકીશું. તાલુકાનું દરેક બાળક સુપોષિત બને તે હેતુસર બાળકોને પોષક આહાર નિયમિતપણે મળે તેની સરકાર દ્વારા ચિંતા કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. હળવદ તાલુકાના સાપડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલ,પ્રાંત અધિકારી ગંગા સીઘની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનને અનુલક્ષીને બાળ તંદુરસ્‍ત હરિફાઇ, વાનગી હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. મહાનુભાવોના હસ્‍તે પાલક વાલીઓનું સન્‍માન, અન્નપ્રાશન અને ટી.એચ.આર.નું વિતરણ કરાયું હતું.

- text

આ કાર્યક્રમ દરમિયાન પોષણ આરતી, પોષણ અદાલત તેમજ પોષણ જીવનચક્રને લગતી બે ફિલ્‍મોનું નિદર્શન કરી પોષણ અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો. ઉપસ્‍થિતોએ પોતાના બાળકોને સુપોષિત બનાવાવમાં સંપૂર્ણ સહયોગ આપવાના શપથ લીધા હતા.

આ ઉપરાંત, હળવદ તાલુકાના ટીકર, ઘનશ્યામપુર, ચરાડવા ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હળવદ મામલતદાર વી. કે. સોલંકી, બળદેવભાઈ સોનગ્રા, તાલુકા વિકાસ અધિકારી અમીતભાઈ રાવલ, એ.એમ.સંઘાણી, મમતાબેન રાવલ, નેહલબેન સહિતનાઓ હાજર રહ્યા હતા.

- text