મોરબી : મુખ્યમંત્રી આવાસોના નામે રૂ. 3.15 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

- text


નગરપાલિકાના બનાવટી સહી સિક્કા કરીને 4 વ્યક્તિઓ પાસેથી નાણા પડાવી લીધા હતા

મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં જરૂરિયાતમંદ લોકોને આવાસો આપવાની લાલચ આપી નગરપાલિકાના બોગસ સહી સિક્કા કરીને ચાર વ્યક્તિ સાથેથી રૂ 3.15 લાખ પડાવી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડ કરનાર ભેજાબાજને પોલીસે આખરે દબોચી લીધો હતો. જો કે આ ભેજાબાજ ઠગે પોલીસના નામે પણ તોડ કરીને અનેકને શીશમાં ઉતાર્યા હોવાનું પણ ખુલ્યું છે. મુખ્યત્વે આ આરોપી તોડબાજ જ હોવાનું સામે આવ્યા બાદ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

મોરબીમાં નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસો બનાવીને તેમને આપવાની યોજના અમલમાં છે. પણ મોટાભાગે ગરીબ લોકો ઓછું ભણેલા અને અજ્ઞાન હોવાથી તેમની અજ્ઞાનતાનો ભેજાબાજએ ભરપૂર લાભ ઉઠાવીને મુખ્યમંત્રી આવાસો આપી દેવાની લાલચ આપીને શીશમાં ઉતાર્યા હતા. જેમાં ચાર વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું હતું. ભેજાબાજે નગરપાલિકાની મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે આવાસો આપી દેવાની લાલચ આપી નગરપાલિકાના ખોટા સહી સિકક્કા કરીને ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. 3.15 લાખ પડાવી લીધા હતા. જો કે ભેજાબાજે આ પૈસા લીધાની નકલી પહોંચ પણ આપી હતી. બાદમાં આવાસો ન મળતા આ ચારેય વ્યક્તિઓ જે તે સમયે નગરપાલિકા કચેરીએ ગયા હતા અને સમગ્ર હકીકત જણાવતા આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

- text

મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે ચાર વ્યક્તિ પાસેથી રૂ.3.15 લાખની છેપરપીડી કરનાર ભેજાબાજ વિશાલ ભરતભાઇ પંચોલી હોવાની ઓળખ થઈ હતી. બાદમાં છેપરપીડીનો ભોગ બનાનાર ઘુટુ ગામના જયશ્રીબેન સંજીવભાઈ ઉપાધ્યાયએ વિશાલ પંચોલી સામે રૂ.3.15 લાખની છેપરપીડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના સહિત ચાર વ્યક્તિઓ પાસેથી આવાસો આપવાની લાલચ આપી નગરપાલિકાના ખોટા સહી સિક્કા કરીને કટકે કટકે રૂ.3.15 લાખ પડાવી લીધા હતા. આ બનાવને એ ડિવિઝન પીએસઆઇ બી. ડી. પરમાર સહિતનાએ આજે બાતમીના આધારે આરોપી વિશાલ પંચોલીને મોરબી રવાપર રોડ એચ.ડી.એફ.સી. બેન્ક ચોકમાં આવેલી તેની ઓફિસમાંથી ધરપકડ કરી હતી. જો કે આ આરોપી અગાઉ પોલીસના નામે પણ તોડ કર્યો હતો. ખાસ કરીને યેનકેન પ્રકારે કાવાદાવા કરીને લોકો પાસેથી નાણાં ખખેરી લેવાની ટેવવાળો હોવાથી પોલીસે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે ક્યાં-ક્યાં પ્રકારે છેતરપિંડી કરી તે બહાર લાવવા માટે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે.

- text