ટંકારામાં ભૂગર્ભ ગટરના ગૂંચવાયેલા પ્રશ્ને મહિલા સરપંચ મગનું નામ મરી નથી પાડતા

- text


મકાન દીઠ 200 રૂપિયાનો વેરો ભરવાનો વિરોધ ઉગ્ર બનવાના એંધાણ :

ટંકારા : ટંકારામાં ભૂગર્ભ ગટર માટે મકાન દીઠ 200 રૂપિયા વેરો ભરવાની નોટિસો બહાર પડતા જ તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હાલના મહિલા સરપંચના પતિ એવા પૂર્વ સરપંચ દ્વારા અગાઉ મારવામાં આવેલી ડંફાસોનો જવાબ આપવામાં મહિલા સરપંચ ગેંગેંફેફે કરી રહ્યા છે.

ચૂંટણી સમયે હાલના મહિલા સરપંચ નિશાબેન ત્રિવેદીના પતિએ જાહેરમાં વક્તવ્યો આપ્યા હતા કે અમોએ
ભુગર્ભ ગટર સ્વિકારી નથી. આ બાબતે રાજીનામુ આપવુ પડે તો પણ આપી દેશું. સતા માટે નહીં પણ સેવા માટે અમો કટિબદ્ધ છીએ, એવી વાતોને નગરજનો અત્યારે યાદ કરી રહ્યા છે. જો ખરેખર આવી જ હકીકત હોય તો હાલ તેઓના પત્નિ નિશાબેન જ સરપંચ છે ત્યારે ભૂગર્ભ ગટર સેવા માટે ઘર દીઠ 200 રૂપિયા વેરો ઉઘરાવવાનો ઠરાવ કઈ રીતે પાસ કરાયો તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે આ ટર્મ પહેલા નિશાબેનના પતી સરપંચ હતા અને ભુગર્ભ ગટર બાબતે ભ્રષ્ટાચારના આરોપને લઈને આ યોજના સ્વિકારી ન હતી. જ્યારે ચુંટણી પહેલા આ મુદે નગરજનોને પણ, “હું રાજીનામું આપી દઈશ પણ ભુગર્ભ ગટર યોજના નહી સ્વિકારૂ, તંત્ર ભલે હોદા પરથી બરતરફ કરવા મને નોટિસ આપે પણ હું આ કામ નહી કરુ”ની શેખી કરનાર પૂર્વ સરપંચ હવે ક્યાં કારણોથી પાણીમાં બેસી ગયા છે એ અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ યોજના જો પંચાયતે સ્વીકારી જ ન હોય તો પંચાયત તેનો વેરો ક્યાં આધારે ઉઘરાવી શકે એવો સણસણતો સવાલ લોકો દ્વારા પુછાઇ રહ્યો છે ત્યારે એનો જવાબ આપવા મહિલા સરપંચ નિશાબેન આગળ નથી આવી રહ્યા જે બાબત પણ ઘણી સૂચક છે.

- text