હળવદના શિશુ મંદિર દ્વારા વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

- text


હળવદ : પૌરાણિક પરંપરા મુજબ ૧૬ સંસ્કાર પૈકીનો ૧ સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર. સામાન્ય રીતે, પ્રાચીન કાળમાં બાળકના વાંચન-લેખનનો પ્રારંભ વિદ્યારંભ સંસ્કારથી કરાવવામાં આવતો હતો. વિદ્યારંભ સંસ્કાર વિષે વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે હળવદમાં આવેલ વિદ્યાભારતી સંલગ્ન શિશુ મંદિર ખાતે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સરસ્વતી શિશુમંદિર ખાતે ત્રણથી પાંચ વર્ષના વિદ્યાર્થીઓનો વૈદિક પરંપરા મુજબ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર એટલે કે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી અને વિવિધ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાર્ય કરવામાં આવ્યું હતું. આ તકે હાજર સૌ ભક્તિભાવથી ઓતપ્રોત થઈ ગયા હતા. જેમાં કાર્યક્રમની શરૂઆતમા ગોરી દરવાજા સ્થિત રામદેવપીરના મંદિરેથી પોથી યાત્રા વાજતે-ગાજતે નિકળી હતી. જેમાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ, ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ત્યારબાદ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી માતાજીની વંદના કરવામાં આવી અને ત્યારબાદ વાતાવરણની શુદ્ધિ માટે વાલીઓ દ્વારા અગિયાર વખત ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરી માઁ ગાયત્રીનું સ્મરણ કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એકવીસ વખત સમૂહમાં સરસ્વતી મંત્રના જાપ જપવામાં આવ્યા હતા. તેમજ વાંચન અને માળાનું પૂજન કરવામાં આવ્યું અને પાટીમાં વાલી દ્વારા ૐ લેખન કરી વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવ્યો હતો.

- text

આ કાર્યક્રમમાં શિશુવાટિકાના પ્રધાનાચાર્ય ગીતાબેને વિદ્યારંભ સંસ્કારનું મહત્વ સમજાવ્યું અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દ્વારા સંસ્થાની કામગીરી અને વિદ્યાભારતીના ઉદ્દેશ્ય વિશે માહિતી આપી હતી. દરેક વાલીઓએ હર્ષઉલ્લાસ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે પ્રભુની પ્રસાદી લઈ કલ્યાણ મંત્ર બોલી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

- text