મોરબીની તપોવન વિદ્યાલય દ્વારા SSC અને HSCના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની નામાંકિત સંસ્થા તપોવન વિદ્યાલય દ્વારા આગામી માર્ચ મહિનામાં શરૂ થતી ધો. 10 અને ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે ‘મિશન માર્ચ 2020’ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતના પ્રખર શિક્ષણવિદ્દ ગિજ્જુભાઈ ભરાડ, જે છેલ્લા પચાસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે અનન્ય ફાળો આપી રહ્યા છે, તેઓએ પોતાનું વક્તવ્ય આપેલું હતું. આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ વક્તવ્યથી મંત્રમુગ્ધ બની ગયા હતા.

આ સેમિનારમાં ગિજ્જુભાઈ ભરાડએ જણાવ્યું હતું કે આગામી પરીક્ષાના સમય સુધીમાં દરેક વાલીઓએ પોતાના બાળકની શારીરિક અને માનસિક, બંને બાબતોમાં બાળકનું સ્વાસ્થ્ય જોઈએ. તેમજ બાળકો સાથે દરરોજ ૩૦ મિનિટ માતા-પિતાએ વાર્તાલાપ કરવો જોઈએ. આ સાથે વાલીઓએ માત્ર ટકાવારીને મહત્વ ન આપતા બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પણ જાળવી અને ખીલવવી જોઈએ. પોતાના બાળકની સરખામણી અન્ય બાળકો સાથે ન કરવી જોઈએ. આ ઉપરાંત, વાલીઓએ પણ પુસ્તકોનું વાંચન કરવું જોઇએ તેવી સલાહ આપી હતી.આ પ્રસંગે સંસ્થાના સંચાલક અશોકભાઈ રંગપરીયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતાની કારકિર્દી દરમિયાન 12 વર્ષ તેમણે રાજકોટ ખાતે આવેલ સંસ્થા ભરાડ વિદ્યામંદિરમાં આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી હતી. આ વર્ષો કારકિર્દી ઘડતરમાં ભરાડ વિદ્યામંદિર અને ગિજુભાઇ ભરાડના માર્ગદર્શનના કારણે ખૂબ જ ઉપયોગી બન્યા છે.

- text

આ વાલી માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા માટે સંચાલક અશોકભાઈ રંગપરીયા, આચાર્ય નરેશભાઈ સાણજા તથા શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.

- text