મોરબીમાં બ્રેડમાંથી ઉંદરડીનું મૃત બચ્ચું નીકળવા મામલે ક્રિષ્ના બેકરીમાંથી નમૂના લેવાયા

- text


ફૂડ વિભાગે ક્રિષ્ના બેકરીમાંથી પાઉ સહિતની બેકરીની બનાવટના સેમ્પલ લઈને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા

મોરબી : મોરબીમાં ગઈકાલે જન આરોગ્યને ચેડાં કરવાની શરમજનક ઘટના બહાર આવી હતી. જેમાં એક વ્યક્તિએ દુકાને બ્રેડનું પેકેટ ખરીને ધરે લઈને જોતા એક બ્રેડમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યું હતું. બાદમાં આ વ્યક્તિએ કલેકટરને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. જેના પગલે ફ્રુડ વિભાગે જવાબદાર ક્રિષ્ના બેકરીમાં તપાસ કરી હતી અને આ બેકરીમાંથી પાઉ સહિતની બેકરીની બનાવટના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલ્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી નજીક આવેલી એક દુકાનમાંથી દીપકભાઈ રતિલાલ હડીયલ નામના નાગરિક બે દિવસ પહેલા પાઉંનું એક પેકેટ ખરીદીને ઘેર જઈને ખોલતા પાઉં વચ્ચેથી ઉંદરડીનું મૃત બચ્ચું મળી આવતા દીપકભાઈ ચોંકી ગયા હતા. પાઉંનું પેકેટ લઈ તેઓ તરત જ એ દુકાને પહોંચ્યા હતા. જ્યાં આ પેકેટ બતાવીને ફરિયાદ કરતા દુકાન માલિકે તેઓને બ્રેડ-પાઉં સહિતની પ્રોડક્ટ બનાવતી ક્રિષ્ના બેકરીએ જઇ ધ્યાન દોરી ત્યાં ફરિયાદ કરવાનું કહેતા દિપકભાઈ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં આ પેકેટ અને ઉંદરનું મૃત બચ્ચું બતાવતા A-57 જીઆઇડીસી ખાતે આવેલી ક્રિષ્ના બેકરી પ્રોડક્ટના માલિકે આ બળેલું લાકડું છે અથવા તો કોથળાનો ટુકડો છે એવો લુલો બચાવ કર્યો હતો. પણ ઉંદરનું મૃત બચ્ચું છે એ માનવાનો ઇન્કાર કરીને હાથ ઊંચા કરી નાખ્યા હતા.

- text

બાદમાં દીપકભાઈ રતિલાલ હડીયલે આ બનાવ અંગે કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી અને જન આરોગ્ય સામે ચેડાં કરવાની આ ગંભીર ઘટનાની યોગ્ય તપાસ કરવાની સાથે જવાબદાર ક્રિષ્ના બેકરી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેથી કલેકટરના આદેશના પગલે ફૂડ શાખા હરકત આવ્યું હતું અને આજે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ક્રિષ્ના બેકરીમાં તપાસ કરવામાં આવી હતી. આ બેકરીમાં રહેલી અન્ય વસ્તુઓ ખાદ્ય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે આ બેકરીમાંથી પાઉ તથા બેકરીની બનાવટના નમૂના લીધા હતા અને આ નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.જોકે જે પાઉમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યુ હતું તેના નમૂના લેવામાં આવ્યા નથી.

- text