મોરબીમાં ટ્રાફિક પોલીસે જાતે જ પાવડા-તગારા લઈને ખરાબ રોડની કરી મરમત્ત

- text


વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ ટાળવા ટ્રાફિક પોલીસે તખ્તસિંહજી રોડ પરના ખાડાઓનું બુરાણ કરી બેવડી કામગીરી સુપરે નિભાવી ફરી એકવાર પોલીસ પ્રજાની હમદર્દ હોવાનું પુરવાર કર્યું

મોરબી : મોરબીના સામાકાંઠે જવાના મુખ્યમાર્ગ તખ્તસિંહજી રોડ ઉપર ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ વધ્યું હતું.તેમ છતાં પાલિકા તંત્ર આ રોડને રીપેર કરવાની કોઈ તસ્દી ન લેતા અંતે મોરબી ટ્રાફિક ટ્રોલીમાં ફરજ બજાવતા બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ જાતે જ રોડની મરમત કરવાનું શ્રમદાન હાથ ધર્યું હતું અને તખ્તસિંહજી રોડ પર પડેલા ખાડાઓ બુરાણ કરી સમથળ કરીને માર્ગ ચાલવા યોગ્ય બનાવ્યો હતો.આ ટ્રાફિક પોલીસે બેવડી કામગીરી કરીને પોલીસ પ્રજાની સાચી મિત્ર હોવાનું પુરવાર કર્યું હતું.

મોરબીના સામાકાંઠે જવા માટેના તખ્તસિંહજી રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ ફટાકડાની દુકાનથી નવયુગ ગારમેન્ટ સુધીનો રોડ ભારે ખખડધજ હાલતમાં છે.આ રસ્તાના વળાંક પર મસમોટા ખાડા પડી જતા વાહનો સ્લીપ થઈ જતા હતા.ખાસ કરીને.મહિલા વાહન ચાલકો અવાર નવાર અહીં પડી જતા હોય નાની મોટી ઇજાઓ થતી હતી.તેથી.ખરાબ રોડની આ દશા ધ્યાને આવતા મોરબી શહેર વાહન ટોઇગ માટેની ટ્રાફિક ટોલીમાં ફરજ બજાવતા જીલુભાઈ રામભાઈ ગોગરા અને લાભભાઈ બાલાસરાએ જાતે રોડને રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી.આ બન્ને ટ્રાફિક પોલીસ મેને જાતે જ રોડ ઉપર મોરમ નખાવીને પાવડા તગરા લઈ શ્રમદાન કરીને ખરાબ રોડને એકદમ સુવ્યવસ્થિત કરી નાખ્યો હતો.આ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તંત્રનું કામ જાતે જ કરીને લોકોની પીડા દૂર કરવનો સરાહનીય પ્રયાસ કર્યો છે.ત્યારે બેદરકારીમાં નંબર વન રહેતા પાલિકા તંત્રએ એમાંથી બોધપાઠ લેવો ઘટે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે,થોડા સમય અગાઉ ત્યાંના ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીએ રવાપર ચોકડી પાસે આ રીતે જ ખાડાઓ બુરીને માર્ગ સમથળ કર્યો હતો.ખરાબ રોડની અનેક રજુઆત કરવા છતાં પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને નિભર તંત્રના પાપે રોડ જોખમી બની રહ્યા છે.જોકે ચોમાસામાં વરસાદને કારણે વારંવાર માર્ગો ધોવાઈ ગયા છે અને ઘણા માર્ગોની એવી દયનિય દશા છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ છે.રોડની અત્યંત ખરાબ દશા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.ત્યારે ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ શહેરમાં ટ્રાફિકની કામગીરી નિભાવવાની સાથે ખરાબ માર્ગો પર લોકોને થતી મુશ્કેલીમાંથી રાહત આપીને બેવડી કામગીરી કરીને ફરી પોલીસ પ્રજાનો સાચો હમદર્દ હોવાનું સિદ્ધ કર્યું છે.

- text