મોરબીના લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસ બન્યા ગોડાઉન

- text


રૂ.૧૧.૫૪ કરોડના ખર્ચે બનેલ આવાસો ગોડાઉન બન્યા હોવાનું જણાવી આમ આદમી પાર્ટીએ આ મામલે નગરપાલિકામાં લડત ચલાવાનું એલાન કર્યું

મોરબી : મોરબીના લીલાપર રોડ પરના મુખ્યમંત્રી આવાસ યોજનાના આવસોનો ગોડાઉન તરીકે ઉપયોગ થઈ રહ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ આ આવસોની મુલાકાત લઈને આવસોનો રહેણાંકને બદલે અન્ય ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાવીને આ મામલે નગરપાલિકામાં લડત ચલાવવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીએ સરકારી આવસોનો રહેણાંકને બદલે અન્ય પ્રવૃતિઓ માટે ઉપયોગ થઈ રહ્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેથી, તંત્ર આ મામલે તથ્ય શુ છે તે અંગે યોગ્ય તપાસ કરે તે જરૂરી છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે મોરબી શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લીલાપર રોડ ખાતે ૨૦૧૬માં ૪૦૦ આવાસોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આવાસોની ઘોર દુર્દશા થઈ હોવાની ફરિયાદને પગલે આ આવાસોની આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ઘણા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં આશરે ૧૦થી વધુ આવાસોનો ઉપયોગ ગોડાઉન તરીકે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. આ આવાસોમાં સિમેન્ટ ભરવામાં આવે છે, રહેવાસીઓ માટે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનો પણ ગોડાઉનની જેમ ઉપયોગ થઈ રહ્યો છે.

- text

ઉપરાંત, મોરબી શહેરમાં નાખવામાં આવેલ નવી એલ.ઇ.ડી. લાઈટ સામે જૂની કાઢી ત્યાં નાખવામાં આવી છે. અંદાજે ૧૨૫થી ઉપર આવાસોમાં ૩ વર્ષ થયાં તેમ છતાં આવાસમાં કોઈ રહેવા નથી આવ્યું. ઘણા મકાનોમાં ગેરકાયદેસર લોકો રહે છે અને ઘણામાં રાત્રી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ ચાલતી હોય છે. રહેવાસીઓ પીવાનું પાણી પણ આવાસોની બહાર બનેલા પશુઓના અવેળાઓમાંથી ભરી રહ્યા છે. આવાસોમાં પાણી અને ભૂગર્ભ નિકાલની હાલ મોટી સમસ્યા છે. જે માટે સ્થાનિકો દ્વારા નગરપાલિક ને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. પ્રજાના રૂપિયે બનાવવામાં આવેલ સુવિધા ભષ્ટાચારીઓએ દુવિધા બનાવી દીધેલ છે. રહેવાસીઓના મતે અહીં આવાસો લાગવગથી ફાળવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશ પારીઆના જણાવ્યા અનુસાર આવાસોની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ ત્યાંના રહીશો જોડે મોરબી નગરપાલિકામાં રજુઆત કરવામાં આવશે.

 

- text