મોરબીના માધાપર અને મહેન્દ્રપરામાં ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ

- text


બે માસથી ભરાયેલા ગટરના ગંદા પાણી મામલે તંત્રને જવાબદારીનું ભાન કરાવવા સામાજિક અગ્રણી સ્થાનિકો સાથે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા

મોરબી : મોરબીના માધાપર અને મહેન્દ્રપરા વિસાતરમાં છેલ્લા બે માસથી ગટરના ગંદા પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર માત્ર ઉઠા જ ભણાવતું હોવાથી સ્થાનિકોની ધીરજનો અંત આવી ગયો છે. આ વિસ્તારના સામાજિક અગ્રણી અને પાલિકાના પૂવ સદસ્યએ સ્થાનિકોને સાથે રાખી ગટર પ્રશ્ને તંત્રને જવાબદારીનું ભાન કરાવવા આજથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

- text

મોરબીના માધાપર અને મહેન્દ્રપરા વિસ્તારમાં તંત્રના પાપે છેલ્લા બે માસથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે. વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી અને ભૂગર્ભ ગટર ચોકઅપ થવાથી આ વિસ્તારોમાં ગટરના પાણી શેરીઓ અને લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રને હજી સુધી પોતાની જવાબદારીનું ભાન થયું નથી. તંત્ર એટલી હદે સંવેદનહીન બની ગયું છે કે મોતનો મલાજો પણ જાળવી શક્યું ન હતું. ઘર અને શેરીમાં ગટરના પાણી ભરાયેલા હોવાથી અગાઉ અવસાન પામેલ પાલિકાના નુવૃત કર્મચારીની અંતિમક્રિયા કરવામાં મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. માધાપર અને મહેન્દ્રપરા વિસ્તારની શેરી ગલી અને મુખ્ય રોડ પર એકએક ફૂટ સુધી ગટરના ગંદા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાયું છે અને લોકો ગંદકીથી બચવા માટે પોતાના ઉપરના માળે મકાનમાં રહે છે.

તંત્રની આટ આટલી ધોર બેદરકારીથી કંટાળીને આ વિસ્તારના કેટલાક યુવાનોએ જાતે જ ગટરની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પણ સાધનોના અભાવે થોડા સમયથી ફરી એવીજ પરિસ્થિતિ સર્જાઈ છે. પાલિકા તંત્રના પાપે નર્ક જેવી બદતર સ્થિતિ ભોગવતા આ વિસ્તારના લોકોની આકરી કસોટીનો અંત આવી ગયો હતો અને ઉપવાસ આંદોલન શરૂ કરવા અંગે બે દિવસ પહેલા આવેદન આપવા છતાંય કોઈ કાર્યવાહી ન કરતા અંતે આજે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માધાપર વિસ્તારના સામાજિક અગ્રણી અનિલભાઈ હડિયલે સ્થાનિકોને સાથે રાખીને માધાપર રામજી મંદિરના ચોક ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. સ્થાનિકોએ એવો ઉકળાટ ઠાલવ્યો હતો કે, જો આ વિસ્તારના યુવાનોએ જાતે ગટરની ગંદકી સફાઈ કરી શકતા હોય તો પાલિકા તંત્ર પાસે તો તમામ સાઘન સામગ્રી અને સ્ટાફ પણ અવેલેબલ હોય છતાં બેદરકારી શા માટે રાખે છે ? તંત્રને ફરજનું ભાન કરાવવા માટે શરૂ થયેલા આંદોલનને પગલે તંત્ર હરકતમાં આવશે ખરું? તે જોવાનું રહ્યું.

- text