મોરબી : ચીલઝડપનો આરોપી સીસીટીવીની મદદથી ઝડપાયો

- text


મોરબી : મોરબીમાં રવાપર રોડ, રાજ બેંક પાસે રિક્ષામાં બેસીને જતા વ્યક્તિના ખોળામાં રાખેલ પર્સની અજાણ્યા મોટર સાઈકલ ચાલકે આંચકો મારી ઝુંટવીને ભાગી જતા તે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. પર્સમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ રૂ. 20,000 સહિત કુલ 95,000 રૂ.ની ચીલઝડપ થઈ હતી.

- text

આ બનાવના અનુસંધાને મોરબી સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે તપાસ આદરી હતી. તે દરમિયાન કેમેરામાં એક શખ્સ કેદ થઈ જતાં તેના અંગે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે શખ્સ નવલખી રોડ, સેન્ટ મેરી સ્કૂલ બાજુથી દાગીના વેચવા નીકળ્યો છે. તેથી, પોલીસે તેને રસ્તામાં રોકી તેની અંગજડતી કરી હતી. જેમાં તેની પાસેથી ચોરેલી મિલકત મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તે વ્યક્તિએ ગુનાની કબૂલાત કરતાં પોતાની વિગત આપતા તેનું નામ વસીમભાઈ બ્લોચ ઉ. વર્ષ 33 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના કિંમત રૂ. 75,000 તથા રોકડ રૂ. 19,400 તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલ કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ 2017માં ચીલઝડપના ગુનામાં પકડાયેલ હતો. તેમજ બનાવ અંગેની તપાસમાં પોલીસ ઇન્સપેકટર આર. જે. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. વી. ઝાલા, એ.એસ.આઇ. મણીલાલ ગામેતી સહિતના પોલીસ અધિકારીઓ આ કામગીરીમાં રોકાયા હતા.

- text