મોરબી : ભારે વરસાદથી તમામ મુખ્ય રસ્તાના ધોવાણથી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ

- text


દરેક ચોકડીઓ પર ખાડાઓને કારણે ટ્રાફિક જામ

મોરબી : બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે પહેલાતો મોરબી જળબંબોળ બની ગયું હતું. જ્યારે આજે રોડ-રસ્તા પર ભરેલા પાણી ઓસરતા રોડ-રસ્તાની ખસતા હાલત સામે આવી છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાથી વાહન વ્યવહાર મંથર ગતિએ ચાલી રહ્યો હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.

પાછલા 48 કલાકથી મોરબીમાં ભારે વરસાદ બાદ રવિવારથી વરસાદ અટક્યો છે. રોડ-રસ્તા પર ભરાયેલા પાણી ઓસરી ગયા છે. ત્યારે મોરબીના મોટાભાગના રસ્તાઓ પર મોટા-મોટા ખાડા, ગાબડા પડી ગયા છે. આજે સોમવારે લોકો જ્યારે કામ-ધંધા, નોકરીએ જવા બહાર નીકળ્યા ત્યારે આ ખાડાઓને કારણે થયેલા ટ્રાફિકજામમાં ફસાયા હતા.

- text

ખાડાઓમાં ભરાયેલા પાણીને કારણે ઘણી જગ્યાએ ખાડાઓની ઊંડાઈનો ખ્યાલ ન રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને નટરાજ ફાટક, રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ ચોંકડી, અવની ચોંકડી તેમજ સિવિલ હોસ્પિટલ પાસે રસ્તાનું ધોવાણ થયું છે અને મસ મોટા ખાડાઓને કારણે ટ્રાફિક મંથરગતિએ ચાલી રહ્યો હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરીને આ ખાડાઓ રીપેર કરે તે જરૂરી બન્યું છે. મોટા ભાગની ચોકડીઓ પર તાત્કાલિક સમારકામ કરવામાં નહિ આવે તો પ્રતિદિન સેંકડો નાનામોટા અકસ્માતનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ભેજ વાળા વાતાવરણ અને ભીની જમીન હોવાને કારણે ડામર કામ કરવું અત્યારે શક્ય ન હોય કમસેકમ કપચી અને મોરમ કે ટાસ નાખીને રસ્તાઓ રીપેર કરવા જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

- text