વાવડી ગામે ૩૦૦ ગૌવંશને રોજનું ૧૫૦૦ કિલો શાકભાજી ખવડાવતું હરિહરન અન્નક્ષેત્ર

- text


મોરબી : રાજસ્થાનના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાંથી સ્થળાંતર કરીને મોરબી પંથકમાં આવેલા માલધારીઓના ૩૦૦ જેટલા ગૌવંશને દરરોજ પૌષ્ટિક અને તાજું શાકભાજી ખવડાવવામાં આવી રહ્યું છે.

ઉનાળાના દિવસોમાં કચ્છ તેમજ રાજસ્થાનના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી માલધારીઓ એમના ઢોર ઢાખર સાથે ઉચાળા ભરીને સેવા ક્ષેત્રની ફોરમ પ્રસરાવતી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવીને પડાવ નાખે છે. ત્યારે કોઈને કોઈ જગ્યાએ એમના ગૌવંશનો જઠરાગ્નિ ઠારે એવી સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થાનો સહયોગ મળી જ રહેતો હોય છે. હાલમાં વાવડી ગામ પાસે આવેલા બીલેશ્વર મહાદેવના મંદિર પાસે રાજસ્થાનથી વખાના માર્યા ઉચાળા ભરીને આવેલા માલધારીઓએ આશરે ૩૦૦ જેટલા ગૌવંશ સાથે પડાવ નાખ્યો છે. સારા ચોમાસાની રાહમાં રહેલા માલધારીઓ રાજસ્થાનમાં વરસાદ થતાં જ પોતાને મલક ઉચાળા ભરી જશે. પણ ત્યાં સુધી ૩૦૦ જેટલા ગૌવંશ માટે મોરબીની એક સખાવતી સંસ્થા ઘાસચારા કરતા પણ વિશેષ સેવા પાછલા ૧૫ દિવસથી આપી રહી છે.

- text

મોરબીમાં અયોધ્યાપુરી મેઈન રોડ સ્થિત હરિહરન અન્ન ક્ષેત્ર દ્વારા વાવડી ગામે રોજ સાંજે અંદાજે ૧૫૦૦ કિલો જેટલા શાકભાજી ગાયોને ખવડાવવામાં આવે છે. આ શાકભાજીમાં ખાસ કરીને દૂધી, કોબી, ફલાવર, કાકડી, તરબૂચ અને દાડમ સહિતનો તાજો ખોરાક નિરવામાં આવે છે. માર્કેટિંગયાર્ડમાંથી આ શાકભાજી જથ્થાબંધ રોજે રોજ ખરીદવામાં આવે છે. હરિહરન અન્નક્ષેત્રના સંચાલક જમનાદાસભાઈ હિરાણીના માર્ગદર્શન હેઠળ આ સેવા પાછલા ૧૫ દિવસોથી કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં વરસાદની સંભાવના જણાતા આ માલધારીઓ પોતાને વતન જવા ઉચાળા ભરશે ત્યાં સુધી ૩૦૦ ગૌવંશ માટે આશરે ૧૫૦૦ કિલો શાકભાજી રોજ સાંજે ખાસ ટિમ દ્વારા પહોંચાડવામાં આવશે એમ હરિહરન અન્નક્ષેત્રના કર્મઠ સેવક કીર્તિભાઈ હીરાણીએ મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.

- text