બોર્ડની પરીક્ષાનો ડર દૂર કેમ કરવો : વિદ્યાર્થીઓને શૈલેષ સગપરિયાની સલાહ

- text


મોરબી : 7મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થવાની છે. જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે તેમ તેમ પરીક્ષાના ડરને કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ માનસિક તનાવ અનુભવતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ બરોબર ઉંઘી શકતા નથી તો કેટલાક વિદ્યાર્થીઓની ભૂખ મરી જાય છે. વાંચેલુ બધુ ભૂલાતુ જતું હોય એવું પણ કેટલાકને અનુભવાય છે. વિદ્યાર્થીઓના આ ટેન્શનનું કારણ પરીક્ષા કરતા પણ વધુ વાલીઓની બીક છે. તેમ મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઇ સગપરિયાએ જણાવ્યું હતું.

વધુમાં શૈલેષ સગપરિયાએ કહ્યું કે પરીક્ષાનું નબળું પરીણામ આવશે તો વાલીઓ તરફથી જે ફટકાર મળશે એનો વિચાર જ વિદ્યાર્થીઓને તનાવ તરફ ઢસડી જાય છે. જો વાલીઓનું વલણ બદલાય તો બાળકોનું 50% ટેન્શન આપોઆપ હળવું થઇ જાય. વિદ્યાર્થીઓનું પરીણામ એટલા માટે નબળું નથી આવતું કે એમને કશુ આવડતું નથી પણ એટલા માટે નબળું આવે છે કે એમને આવનારા પરીણામની બીક છે.

બગદાદની એક જાણીતી લોકકથા છે. એક સુફીસંત ધર્મયાત્રાએ જવા માટે નીકળ્યા અને રસ્તામાં જ એક વિચિત્ર પ્રાણીનો ભેટો થયો. સુફી સંતે એ પ્રાણીનો પરીચય પુછ્યો તો એણે કહ્યુ કે હું પ્લેગ છું અને ભગવાનના આદેશથી બગદાદના લોકોનો જીવ લેવા આવ્યો છું. સુફી સંતે પુછ્યુ કે તું કેટલા લોકોના જીવ લઇ જઇશ ? પ્લેગે કહ્યુ, “ભગવાને મને આજ્ઞા કરી છે કે મારે 10000 લોકોના જીવ લઇ જવાના છે.” સુફી સંતને થયુ આ કોઇ પાગલ લાગે છે અને જો કદાચ સાચી વાત કરતો હોય તો પણ ભગવાનના કામમાં આપણે હસ્તક્ષેપ ના કરવો જોઇએ એમ વિચારીને એ સંતતો ધર્મયાત્રાએ જવા માટે નીકળી ગયા.

અમૂક મહિનાઓ પછી એ બગદાદ પાછા ફર્યા ત્યારે એમને જાણ થઇ કે એમના ગયા પછી શહેરમાં પ્લેગ આવ્યો હતો અને આ પ્લેગમાં 50000 માણસો મૃત્યુ પામ્યા. સુફી સંતને થયુ પ્લેગ તો 10000ને મારવાની વાત કરતો હતો તો આટલા બધા માણસોને કેમ માર્યા ? સુફી સંતે પ્લેગને શોધ્યો અને કહ્યુ, “ તું જુઠું કેમ બોલ્યો હતો. તે 10000 માણસોને મારવાની વાત કરીને 50000ના જીવ લીધા. તે આવું કેમ કર્યુ ? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યુ ?” પ્લેગે કહ્યુ, “મેં તો ભગવાનની આજ્ઞા મુજબ 10000ના જ જીવ લીધા છે બાકીના 40000ને મેં નથી માર્યા એ તો બીકના માર્યા મરી ગયા છે.”

- text

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની પણ આ જ હાલત થાય છે. કેટલાય વિદ્યાર્થીઓ બીકના માર્યા જ સારુ પરીણામ લાવી શકતા નથી. અરે સારુ પરીણામ લાવવાની વાત તો એક બાજુ રહી કેટલાક વિદ્યાર્થીઓ તો નબળા પરીણામની બીકથી આત્મહત્યાનો માર્ગ પણ અપનાવે છે. વાલી તરીકે આપણી ફરજ છે કે સંતાનની પરીક્ષાના સમયે આપણે એનો મજબૂત સહારો બનીને એની પડખે ઉભા રહીએ. પરીક્ષાઓના પરીણામોથી વિદ્યાર્થીઓની કારકીર્દીની દીશા નક્કી થાય છે એ વાત સાચી પણ માત્ર ટકાવારીને જ સફળતાનો માપદંડ ગણવાની આપણે ભૂલ કરીએ છીએ.

કોઇએ એક સર્વે કરવા જેવો છે. તમારા શહેરના સૌથી ધનવાન 50 માણસોની એક યાદી બનાવો.(ધનવાન એટલા માટે લખ્યુ છે કારણકે સમાજ સંપતિને જ સફળતા ગણે છે અને આખરે દરેકની મંજીલ પણ એ જ હોય છે.) પછી આ 50 ધનવાનોને મળીને એની બોર્ડની પરીક્ષાના પરીણામની નકલ માંગજો. અરે ! કેટલાક તો એવા હશે કે જે બોર્ડની પરીક્ષા સુધી પહોંચ્યા પણ નહિ હોય. વાલીઓ અને શિક્ષકો ખાસ ધ્યાન રાખે કે બોર્ડની પરીક્ષાઓ જ કંઇ જીંદગીની આખરી પરીક્ષાઓ નથી.

મારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાંમાત્ર 56% માર્કસ આવેલા. પરીવારના સભ્યોની ઇચ્છા હતી કે એનો દિકરો પીટીસી કરીને શિક્ષક બને. પીટીસીનું ફોર્મ લાવીને ભર્યુ પણ ખરુ પણ 56% માર્કસ સાથે કોણ એડમીશન આપે ? હું પ્રાથમિક શિક્ષક ન થઇ શક્યો તો શું મારી જીંદગી ત્યાં પુરી થઇ ગઇ ? નિરાસ થવાને બદલે પ્રયાસો કરતો રહ્યો તો આજે ગુજરાત સરકારનો ક્લાસ-1 અધિકારી બની ગયો.

આપના સંતાનોની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે આવા સમયે એને આપની ટીકાની નહિ પણ ટેકાની જરૂર છે. બોર્ડની પરીક્ષા સુધી રોજ દિકરા કે દિકરીના માથા પર પ્રેમથી હાથ ફેરવીને એને કહેજો કે બેટા તારાથી જેટલી મહેનત થઇ શકે એટલી મહેનત કર પણ પરીણામની કોઇ ચિંતા ના કરતા. જે પરીણામ આવે એ પરીણામ સ્વિકારવાની અમારી તૈયારી છે. આપના થોડા શબ્દો સંતાનનો પરીક્ષાનો ડર દૂર કરી દેશે. જો માબાપ તરીકે બાળકની નિષ્ફળતા વખતે એની પાસે ઉભા રહીશું તો એ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text