ઉમિયા પરિવાર દ્વારા સામાજિક ક્રાંતિનો સરાહનીય પ્રયાસ : રવિવારે ૧૧૩ દીકરીઓના સમૂહ લગ્ન

- text


 યજમાન પદે રહેલા રાજપર ગામને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું, ૮૦ વિઘા જમીન પર બંધાયો જાજરમાન શમિયાણો : સમૂહલગ્ન સાથે રક્તદાન કેમ્પ પણ યોજાશે : ૨૦ હજાર જેટલા લોકો લેશે સમૂહ ભોજન

મોરબી : ઉમિયા પરિવાર દ્વારા સમૂહલગ્ન થકી સામાજિક ક્રાંતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી રવિવારના રોજ ૧૧૩ દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નના યજમાન પદે રહેલા રાજપર ગામને જાણે દિવાળી હોય તેમ શણગારવામાં આવ્યું છે. લગ્નપ્રસંગ માટે ગામની ૮૦ વિઘા જમીન પર જાજરમાન શામિયાણો બનાવવામાં આવ્યો છે. જેમાં લગ્નની સાથે ૨૦ હજાર લોકો સમુહભોજન લેશે અને રક્તદાન કેમ્પ પણ યોજાશે.

માળિયા- મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ મનુભાઈ કૈલાએ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા આગામી તા. ૨૦ને રવિવારના રોજ રાજપર ગામે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૩ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે. વધુમાં તેઓએ સમૂહલગ્નથી સામાજિક ક્રાંતિ લઈ આવવાની ગાથા વર્ણવતા કહ્યું હતું કે જ્યારે ૨૦૦૧મા ભૂકંપ આવ્યો ત્યારે મોરબી પંથકમાં અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા હતા. આ સમયે તમામ લોકોની આર્થિક હાલત કપરી બની હતી. આવા સમયે ૨૦૦૨મા ઘાટીલા ગામના પાંચ યુવાનોએ ગામની પાંચ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા હતા.

બાદમાં આ રીતે સમૂહલગ્ન કરાવીને સામાજિક એકતા તેમજ ભાવના કેળવવાના વિચારનું બીજ રોપાયુ હતું. જેથી ફરી ત્રણ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ તે સમયે લોકો સમુહલગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવવામાં થોડો સંકોચ અનુભવતા હતા. ત્યારે સમૂહલગ્ન અંગે જાગૃતિ લાવવા માટે ગામે ગામ ફરીને યુવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. બાદમાં જુદા જુદા ગામ આ રીતે સમૂહ લગ્ન કરવાનું આયોજન ઘડવામાં આવ્યું હતું. જે પણ ગામમાં સમૂહલગ્ન કરવામાં આવતા હતા. તેની આજુબાજુના ૧૦ ગામના યુવાનો સેવા અર્થે સમુહલગ્નમાં જોડાય છે.

 

જેમ જેમ લોકોમાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ વધુને વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાતા ગયા હતા. આમ અત્યાર સુધીમા સમિતિએ કુલ ૨૦ સમૂહલગ્ન સફળતા પૂર્વક કરાવ્યા છે. દર વર્ષે વર્ષમાં બે વખત સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. એક અત્યારના સમયમાં અને બીજી વાર અખાત્રીજના સમયમાં સમૂહલગ્ન યોજવામાં આવે છે. વધુમાં સમુહલગ્નની સાથે સમાજમાં ઘડિયા લગ્નનો પણ નવો ચીલો ચાતરવામાં આવ્યો છે.

- text

ઘડિયા લગ્ન વિશે તેઓએ જણાવ્યું કે આ લગ્નમાં એક જ દિવસમાં સગાઈ અને લગ્ન કરી નાખવામાં આવે છે. લગ્નમાં કોઈ ઠાઠ કે ભપકો દેખાડવાનો હોતો નથી. અત્યાર સુધીમાં આવા કુલ ૬૦ ઘડિયા લગ્ન કરાવવામાં આવ્યા છે. માનવ સેવા ટ્રસ્ટ, કન્યા છાત્રાલય, ઉમિયા સમાધાન પંચ અને લગ્ન મેરેજ બ્યુરો સંસ્થા દ્વારા ફેલાવવામાં આવેલી જાગૃતિના કારણે ઘડિયા લગ્નનું ચલણ વધ્યુ છે. સમૂહલગ્ન તેમજ ઘડિયા લગ્ન સામાજિક ભાવના કેળવવામાં ખૂબ મદદરૂપ થાય તેમ છે.

એવું નથી કે સમૂહલગ્નમાં માત્ર ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર જ જોડાય છે.પૈસાદાર તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલ દીકરા – દીકરીઓ પણ સમૂહલગ્ન તરફ પ્રેરાયા છે. આ સમિતિના અનેક સભ્યોએ પોતાના દીકરી- દીકરાઓના લગ્ન સમુહલગ્નમાં કર્યા છે. આ ઉપરાંત સમૂહલગ્નની સાથે સમિતિ દ્વારા વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવે છે. જ્યારે ભરતનગરમાં સમૂહલગ્ન હતા ત્યારે આજુબાજુના ૭૦ જેટલા ગામોમાં વૃક્ષનું વાવેતર અને જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમિતિ આયોજિત સમૂહલગ્નમાં દરેક દીકરીઓને એક છોડ આપવામાં આવે છે. જે છોડ તેને પોતાના સાસરે વાવીને તેની માવજત કરવાની હોય છે.

આ વર્ષે સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે. આ વર્ષનું સમુહલગ્નનું યજમાન પદ રાજપર ગામને આપવામાં આવ્યું છે. પાંચ વર્ષ પૂર્વે પણ રાજપર ગામને યજમાન પદ આપવામાં આવ્યું હતું. આગામી રવિવારે ૨૧મા સમૂહ લગ્ન યોજવા જઇ રહ્યા છે. ત્યારે રાજપર ગામે ૨૫૦ થી વધુ યુવાનો છેલ્લા ૧૫ દિવસથી તૈયારીઓ કરી રહ્યા છે.

રાજપર ગામના યુવા આગેવાન તેમજ તાલુકા પંચાયતના સભ્ય વિજયભાઈ કોટડીયાએ ૨૧માં સમૂહલગ્ન વિશે જણાવ્યું કે રાજપર ગામે સમુહલગ્નના લીધે જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો છે. ગામના ઘરો, જાહેર સ્થળોને રંગરોગાન કરવામાં આવ્યા છે.ગામને દુલહનની જેમ શણગારવામાં આવ્યું છે. ગામની ૮૦ વિઘા જમીન પર જાજરમાન સમિયાણો બાંધવામાં આવ્યો છે. ગામના ૬૦ જેટલા ઘરોમાં મહેમાનોને ઉતારો આપવામાં આવનાર છે. ઉપરાંત સમૂહ લગ્નના દિવસે ૨૦ હજાર લોકો સમુહભોજન લેવાના છે.જુદા જુદા ગામની સમિતિઓ બનાવીને હાલ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

માળિયા- મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્ન તેમજ ઘડિયા લગ્ન કરાવીને સામાજિક ક્રાંતિ ફેલાવવામાં આવી રહી છે. આ સમિતિ આયોજિત ૨૧મા સમુહલગ્નને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ શિવલાલભાઈ ઓગણજા, મંત્રી જેન્તીભાઈ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, ઉપપ્રમુખ મનુભાઈ કૈલા, મણિલાલ સરડવા અને ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text