જેલમાં બંધ ધારાસભ્ય સાબરીયા ગરીબ કલ્યાણ મેળાના અતિથિ !

- text


૮ મીએ મોરબીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આમંત્રણ કાર્ડમાં ધારાસભ્ય છવાયા

મોરબી : મોરબીમાં આગામી તા.૮ ના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં સિંચાઈ કૌભાંડમાં જેલ હવાલે રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાને પણ આમંત્રણ આપવામાં આવતાં સરકારી તંત્રની બેદરકારી સામે આવી છે ! શુ જેલમાં બંધ ધારાસભ્ય ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા આવશે તેવા સવાલો ઉઠાવી બુદ્ધિજીવીઓ હવે ધારાસભ્ય મુકો જામીન અરજી આ તો મોકો મળ્યો કહેવાય તેવી હળવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

સરકારની જુદી – જુદી લોક કલ્યાણકારી યોજનાઓનો સીધો જ લાભ છેવડાનાં માનવી સુધી પહોંચી શકે તે.માટે દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે મોરબીમાં આગામી ૮મી જાન્યુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ અધિકારી અને પદાધિકારીઓને આમંત્રણ આપવા કાર્ડ છપાવ્યા છે જોકે આ કાર્ડમાં મોટી ક્ષતિ સામે આવી છે. કાર્ડમાં અતિથિ તરીકે જિલ્લાના તમામ વિધાનસભા બેઠકનાં ધારાસભ્યને આમંત્રણ આપ્યું છે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંચાઈ કૌભાંડમાં જેલ હવાલે થયેલ ધારાસભ્ય પરસોતમ સાબરીયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આમંત્રણ કાર્ડમાં તેમનું નામ પણ અતિથિ તરીકે છપાયું છે.

- text

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, શું ? જેલમાં બંધ ધારાસભ્ય સાબરીયા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવશે ? જો કે પ્રોટોકોલ મુજબ વહીવટી તંત્રએ આમંત્રણ કાર્ડમાં ધરાસભ્યનું નામ લખ્યું હોવાનો બચાવ થઈ રહ્યો છે પરંતુ આ બાબતે મોરબીનું જિલ્લા વહીવટી તંત્ર કાયદકીય જોગવાઈ શુ છે ? આમંત્રણ આપી શકાય કે નહીં તે સ્પષ્ટતા કરી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૫ જાન્યુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજવા નક્કી કરી આમંત્રણ કાર્ડ છપાવી નાખ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ ફેરફાર થતા એ આમંત્રણ કાર્ડ પસ્તી બન્યા હોવાનું બહાર આવ્યું છે.

- text