વાંચે ગુજરાત ! મોરબી જિલ્લામાં 26600 બાળકો પુસ્તકોથી વંચિત

- text


ધો.૬ થી ૮ ના પુસ્તકો હજુ સુધી ન આવતા શેક્ષણીક કાર્યમાં વિલંબ

મોરબી : વાંચે ગુજરાત ભણે ગુજરાતના નારા વચ્ચે સમગ્ર રાજ્યની શાળાઓમાં બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે.પરંતુ મોરબી જીલ્લાની ૪૧૪ શાળાના ૨૬૬૦૦ બાળકોને હજુ સુધી પુસ્તકો મળ્યા નથી જે તે સરકારી તંત્રની આવી લોલમ લોલને કારણે ગુજરાત ક્યાંથી હોશે હોશે ભણશે તેવો સુર પ્રગટ થયો છે.
સરકારી પ્રાથમિક શિક્ષણ સુધારણાની ગુલબાંગોની હકીકતો સામે આવી છે.જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શૈક્ષણિક સત્ર વાઈઝ પુસ્તકો શાળાઓને મોકલવામાં આવે છે.પરંતુ આ વખતે દિવાળી પછી બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ જવા છતા મોરબી જીલ્લાના બાળકોને પુસ્તકો મળ્યા નથી.સુત્રો પાસેથી આ બાબતે મળતી વિગતો અનુસાર મોરબી જીલ્લાની ૪૧૪ પ્રાથમિક શાળામાં ભણતા ધો.૬ થી ૮ના ૨૬૬00 વિદ્યાર્થીઓ હજી સુધી પુસ્તકોથી વંચિત છે.જેમાં મોરબી જીલ્લાના માળીયા ( મી ),ટંકારા ,હળવદ અને વાંકાનેર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં હજુ સુધી પુસ્તકો આવ્યા નથી.તાલુકા વાઈઝ જોઈએ તો વાંકાનેર તાલુકાની ૧૫૯ શાળાના ૮૯૩ર બાળકો ,હળવદ તાલુકાની ૧૧૭ શાળાના અંદાજીત ૧૨ હજાર બાળકો ,માળીયા તાલુકાની ૭૮ શાળના ૨૯૪૧ બાળકો અને ટંકારા તાલુકાની ૬૦ શાળાના ૨૭૩૮ બાળકો પુસ્તકોથી વંચિત છે.
બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ જાય તે પુર્વે જ શિક્ષણ વિભાગને જે તે શાળામાં પુસ્તકો મોકલી દેવાના હોય છે.પરંતુ બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ જવા છતા ધો.૬ થી ૮ના પાઠ્યપુસ્તકો હજુ સુધી ન આવતા વર્ગખંડોનું શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે,આજે માત્ર મોરબીની શાળાઓ માટે પાઠ્યપુસ્તકો આવ્યા છે.જેમાં મોરબી તાલુકાની ૧૮૨ શાળાઓમાં ૩૩૮૦ પુસ્તકોની જરૂરીયાત સામે ૧૬૦૦ સંસ્કૃત વિષયના પુસ્તકો ઓછા આવતા શિક્ષકો મુંઝવણમાં મુકાયા છે.

- text

મોરબી જીલ્લાની બાકી રહેલી ૪૧૪ શાળાઓમાં પુસ્તકો હજુ ક્યારે આવશે એ નક્કી નથી.સરકારી શિક્ષણ વિભાગની આવી લોલમ લોલથી સરકારી શાળાનું શૈક્ષણિક સ્તર કેવી રીતે સુધરી શકે તેવો જાગૃત નાગરીકો બળાપો ઠાલવી રહ્યા છે.બીજી તરફ બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે શિક્ષકો ઉપર બીનજરૂરી કામગીરી થોપી દેવાથી શિક્ષકોમાં જબરો કચવાટ પેદા થયો છે.શિક્ષકોમાં અંદરો અંદર ગણગણાટ થઈ રહ્યો છે કે, શિક્ષકો ઉપર બીનજરૂરી કામગીરી થોપી દેવાથી વર્ગખંડના શિક્ષણ કાર્યને ગંભીર અસર થશે.

- text