મોરબીમાં પાણી ચોરવા અને વેચવાની મનાઈ : જાહેરનામું

- text


ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ ૩૩(૧)(એમ) હેઠળ 15 જુલાઈ સુધી પાણી ચોરી ડામવા અંગેનું કડક જાહેરનામું અમલમાં મૂક્યું

મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ખુબ જ ઓછા વરસાદ થતા જિલ્લાના જળાશયોમાં પાણીના જથ્થાનો ખુબ ઓછો સંગ્રહ થયેલ છે. ત્યારે જિલ્લામાં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની માળીયા(મિ.) બ્રાંચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ તથા મોરબીબ્રાંચ કેનાલ મારફતે ઉપલબ્ધ કે મળતા પીવા માટે તેમજ સિંચાઈ માટેના પાણી નો ઉપયોગ જરૂરીયાત મુજબ વ્યાજબી અને કરકસરયુક્ત થાય તે જરૂરી અને અનિવાર્ય હોય ત્રણેય બ્રાંચ કેનાલમાંથી પાણીની પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલાં લેવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી કેનાલની આજુબાજુના વિસ્તારમાં નવા બોર કુવા કરવા ઉપર પ્રતિબંધ લાદી પાણી વેચાણ કરવાની પણ મનાઈ ફરમાવી છે.

મોરબી જિલ્લા કલેકટર કચરી ખાતે તા.૨૦/૧૧/૨૦૧૮ ના રોજ જિલ્લા કક્ષાની યોજાયેલ જિલ્લા પાણી સમિતિમાં સઘન ચર્ચા અને સંવેદનશીલ સમીક્ષા બેઠકમાં થયેલ નિર્ણય મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ-૩૩(૧)(એમ) હેઠળ જિલ્લા કલેકટર આર. જે. માકડિયાએ જિલ્લામાં સમાવિષ્ટ જળાશયો, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ની મોરબી જિલ્લામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ, માળિયા(મિં.) બ્રાંચ કેનાલ અને મોરબી બ્રાંચ કેનાલની નહેર અને ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોડ મોરબી ની પીવાના પાણી માટેની પાઇપલાઇનોના વિસ્તારમાં તા.૨૩/૧૧૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૯ સુધીના સમયગાળા દરમિયાન પાણી ચોરી અને પાણીનું અનધિકૃત વેચાણ ટાળવા જાહેરનામું અમલી બનાવ્યું છે.
જાહેરનામા અન્વયે જિલ્લામાં સમાવિષ્ટ મુખ્ય જળાશયોમાંથી તેમજ પસાર થતી નર્મદા બ્રાંચ કેનાલોમાંથી કોઇ વ્યક્તિ કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે ઇલેક્ટ્રીક મોટર/પમ્પ સેટ દ્વારા, ટેન્કર દ્વારા અથવા અન્ય કોઇ બીજા સાધનો દ્વારા બકનળીઓ નાખીને પાણી ચોરી કરવી નહીં, કરાવવી નહીં, તેમજ
કેનાલ કે પાઇપલાઇનો તોડી પાણી ચોરી કરવી નહીં, જળાશયની નિયત હદથી ૫૦૦ મીટરની ત્રિજ્યામાં નવા બોર કરવા નહીં કે કરાવવા નહીં તેમજ બિનઅધિકૃત રીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પમ્પ મૂકવા નહીં કે કોઇપણ રીતે જમીનમાંથી પાણી ખેંચવું નહીં, અને જળાશયોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપલાઇનો તથા કેનાલો સાથે ચેડાં કરવા નહીં કે પાઇપલાઇનો તોડવી નહીં.

- text

આ ઉપરાંત જિલ્લામાં સમાવિષ્ટ મુખ્ય જળાશયના નિયત કરેલા વિસ્તારના ચાલું બોર, કૂવા, ડીપવેલ, સબમર્સિબલ પંપનું પાણી કોઇપણ વ્યક્તિ કે સંસ્થા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, મોરબીની પરવાનગી લીધા વિના વેચાણ કરી શકશે નહીં કે કરાવી શકશે નહીં.તેમજ જિલ્લામાં સમાવિષ્ટ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ, માળિયા(મિ) બ્રાંચ કેનાલ તથા મોરબી બ્રાંચ કેનાલ ની
નહેરોમાંથી વહને પામતા નર્મદાના પાણીનો પીવાના કે સિંચાઇના હેતુસર વખતો વખત યથાપ્રસંગ રાજ્ય સરકારશ્રીના સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડના હકમો તેમજ સત્તાધિકારીની મંજુરીને આધીન ધોરણસર, વ્યાજબી અને કરકસરયુક્ત ઉપયોગ કરવાનો રહેશે..આ સિવાય જિલ્લામાં સમાવિષ્ટ નર્મદાની ત્રણેય બ્રાંચ કેનાલમાંથી કોઇપણ રીતે પાણીની ચોરી કરવી નહીં.

જાહેરનામામાં મોરબી જીલ્લાના વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણી માટેની દરેક પ્રકારની પાઇપલાઇન કે એરવાલ્વમાં તોડફોડ કે ચેડાં કરવા નહીં, અનધિકૃત ઇસમો સંસ્થા દ્વારા ગેરકાયદેસરના કનેક્શન લેવા નહીં તેમજ પાણીનો દુરુપયોગ, બગાડ કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી રહે પગલાં લેવામાં આવનાર હોવાનું જાહેરનામામાં જણાવાયું છે.

- text