લસણ 75 પૈસે કિલો : આમ ખેડૂતો બિચારા શું કરે ?

- text


મોરબીના ઘૂંટું ગામે રસ્તા ઉપર લસણ ફેંકી વિરોધ કરતા ખેડૂતો

મોરબી : ઓણ સાલ અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થવાના અરે ઉભા છે ત્યારે બીજી તરફ મગફળી, ડુંગળી, લસણના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાતા આજે મોરબીના ઘુંટુ ગામના ખેડૂતો દ્વારા ફક્ત 75 પૈસામાં કિલો લસણ વેચવાને બદલે રસ્તા ઉપર લસણ ઢોળી પ્રચંડ વિરોધ વ્યક્ત કરી આંધળી,મૂંગી અને સંવેદનહીન સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામ પૂરતો જ વરસાદ વરસ્યો છે ત્યારે મોટાભાગના ખેડૂતોના ખરીફ મોસમના મગફળી કપાસ જેવા પાક સદંતર નિષ્ફ્ળ નીવડ્યા છે તો બીજી તરફ ગત સાલના લસણ, ડુંગળી અને ચણા જેવી જણસ ખેડૂતોએ સાચવી રાખી હોય હવે કપરી સ્થિતિમાં વેચવા માટે કાઢતા ખેડૂતો પાસેથી વેપારીઓ મફતના ભાવે પડાવી રહ્યા છે પરિણામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

દરમિયાન ખેત પેદાશોના તળિયે બેસી ગયેલા ભાવનો વિરોધ કરવા આજે મોરબીના ઘુંટુ ગમે ખેડૂતોએ બે ટ્રેકટર ભરી લસણને રસ્તા ઉપર ઢોળતા જણાવ્યું હતું કે, હાલમાં અમોને લસણ પ્રતિ મન 20 રૂપિયા ભાવ આપવામાં આવે છે જેમાં લસણની ખાલી બોરીની કિંમત જ રૂપિયા 5 રૂપિયા થાય છે તે જોતા 75 પૈસા પણ કિલો દીઠ ઉપજતા નથી અને આ ખેડૂતોને લૂંટવાની સાજીશ હોય આવ નીચા ભાવે લસણ વેચવા કરતા રસ્તા ઉપર ઢોળવાનું વધારે ઉચિત માન્યું હતું.

જો,કે ખેડૂતોએ વસવસા સાથે કેન્દ્ર અને રાજ્યની આંધળી,મૂંગી અને સંવેદનહીન સરકારને ઢંઢોળવા આ લસણનો જથ્થો રસ્તા ઉપર ઢોળ્યો હોવાનું જણાવી સરકારને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માંગણી ઉઠાવી હતી.

 

- text