આલેલે, મોરબી સિવિલ હોસ્પિટલને કાયાકલ્પ એવોર્ડ

- text


મોરબી જિલ્લાના ૧૦ અન્ય દવાખાનાઓને પણ કાયાકલ્પ એવોર્ડ : સમગ્ર જિલ્લામાં બગથળા પીએચસી સેન્ટર સ્વચ્છતામાં અગ્રેસર

મોરબી : મોરબીની ખાડે ગયેલ સિવિલ હોસ્પીટલમાં ડોકટરોની અછત વચ્ચે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જ ગટર ઉભરાતી હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા મોરબીની સિવિલ હોસ્પિટલને સ્વચ્છતા સુઘડતા મામલે કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે, સિવિલ હોસ્પિટલની સાથે – સાથે જિલ્લાના અન્ય ૧૦ પીએસચી, સીએચસી સેન્ટરને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ૩૭ આરોગ્ય કેન્દ્રો પૈકી મોરબી સિવિલ હોસ્પિટલ સહિતના ૧૦ પીએચસી અને ૧ સીએચસી સેન્ટરને સ્વચ્છતા સુધડતા રાખવા બદલ કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવતા અન્ય આરોગ્ય વિભાગની તુલનાએ અસુવિધાઓ ધરાવતી મોરબી સીવીલને આ એવોર્ડ કેમ અપાયો તે અંગે સામાન્ય નાગરિકના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

- text

રાજ્ય સરકારની યોજના અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં આવેલ ૩૦ પીએચસી અને છ સીએચસી સેન્ટર તેમજ સિવિલ હોસ્પીટલનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી માર્ક્સ આપવામાં આવ્યા હતા જેમાં સમગ્ર જિલ્લામાં બગથળા પીએચસી સેન્ટર ૯૪% સાથે અવ્વલ નંબરે આવ્યું હતું.

વધુમાં આ સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલ, જેતપર, લજાઈ, સરવડ, નેકનામ, ખાખરેચી, ભરતનગર, રાજપર, લાલપર આમરણ અને મેસરિયા ગામના આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા સુધડતા અને દર્દી દેવો ભવ: ની કાર્યપધ્ધતિના મૂલ્યાંકન બાદ તમામને કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ સંજોગોમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ હોય કે દર્દીઓને સુવિધા આપવાની વાત હોય કે પછી ડોક્ટરોની વાત હોય તમામ બાબતમાં સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા ખાડે હોય કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text