માનો ગરબો રે, મોરબીમાં નવરાત્રીની ખરીદી શરૂ

- text


નવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવા લોકોમાં ઉત્સાહ : અવનવા ગરબા, માતાજીના હાર,શણગાર અને ચણિયાચોળીની ધૂમ ખરીદી 

મોરબી : નવરાત્રીના પાવન પર્વ આડે હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે મોરબીની બજારમાં નવરાત્રીની ધૂમ ખરીદી નીકળી છે, લોકો માં શક્તિની આરાધના કરવા અવનવા ગરબા ખરીદી કરવાની સાથે-સાથે માતાજીના સુંદર શણગાર,ચૂંદડી,અગરબત્તી,ધૂપ આદિ પૂજન સામગ્રી અને બહેનો ગરબે ઘુમવા વિવિધ ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરી રહ્યા છે.

- text

આગામી બુધવારથી નવરાત્રી પર્વનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે માં નવદુર્ગા, માં આરાસુરી અંબાની આરાધના કરવા ઉત્સુક ભક્તજનો દ્વારા પરંપરાગત માટીના ગરબા ખરીદવામાં આવી રહ્યા છે આ વર્ષે માટીના ગરબામાં પણ અવનવી વેરાયટી જોવા મળી રહી છે જેમાં ટ્રેડિશનલ વર્ક કરી આભલા ચોંટાડેલા પાકા ગરબા કે જે નવરાત્રી બાદ ચકલીના માળા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા ગરબાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં રૂપિયા 40 થી લઈ 250 કે 300 સુધીના ગરબા પણ મળી રહ્યા છે.

નવલા નોરતાને વધાવવા અને માં શક્તિની ભક્તિ માટે બજારમાં આર્ટિફિશ્યલ હાર, અવનવી રંગબેરંગી ચૂંદડી, સુગંધી ધૂપ,અગરબત્તી, અને અન્ય સામગ્રી પણ બજારમાં નવરાત્રિને અનુરૂપ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત નવરાત્રીમાં ગરબે ઘુમવા બહેનો દ્વારા ચણીયા ચોળી અને અન્ય લેટેસ્ટ ટ્રેન્ડ મુજબના વસ્ત્રો ખરીદવા બજારમાં ઉમટી રહ્યા છે.

- text