મોરબી : તળાવ કૌભાંડમાં ૬૭ લાખ ઓળવી જનાર બન્ને કૌભાંડિયાઓને ઝડપી લેતી પોલીસ

- text


નિવૃત ઈજનેર કાનાણી અને કન્સલ્ટિંગ એજન્સીના સંચાલકને ગણતરીની કલાકમાં ઝડપી લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવાના નામે માત્ર કાગળ ઉપર કામગીરી કરી કૌભાંડ આચરવા મામલે પ્રથમ તબક્કામાં ૪૬ કામોમાં ગેરીરીતી જણાતા ગઈકાલે કાર્યપાલક ઈજનેર ઉપાધ્યાયે નોંધાવેલી ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ કૌભાંડ આચરનાર મોરબીમાં નિવૃત ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિકની ધરપકડ કરી લેતા આ કૌભાંડમાં હજુ પણ નવા કડાકા ભડાકા થવાની શકયતા જોવાઇ રહી છે.

નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ મામલે આજે એ -ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, નાની સિંચાઈ યોજના હેઠળ મોરબી જિલ્લાના ૩૩૪ કામો મંજુર થયેલ જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર તથા કન્સલટન્સી એજન્સી અને અન્ય મળતીયાઓ દ્વારા ૪૬ કામોમાં કરવામાં આવેલ ૬૭ લાખ જેટલી નાણાંકિય ગેરરીતી બાબતે કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે ફરિયાદ નોંધાવી હતી.જેમાં સને ૨૦૧૭ – ૧૮ અને સને ૨૦૧૮ – ૧૯ માં મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા તાલુકાઓમાં સરકારશ્રીની નાની સિંચાઇ યોજનામાં જુદી જુદી યોજના તળે અનુશ્રવણ તળાવ, ચેકડેમ અને નાની સિંયાઇના રીસ્ટોરેશન તેમજ અન્ય કામો કરવા માટે અંદાજીત કુલ ૩૩૪ કામો કરવાનો અંદાજીત ખર્ચ વીસ કરોડ એકત્રીસ લાખ સિત્તેર હજારનો ખર્ચ મંજુર કરવામાં આવેલ હતો.આ કામોના નકશા અંદાજો, ટેન્ડરો બનાવી ભાવો મેળવી જીલ્લામાં નોંધાયેલ વિભિન્ન મજુર કામદાર મંડળીઓ અને કોન્ટ્રાકટરો મારફતે આ કામો કરવામાં આવેલ દરમ્યાનમાં ઉપરોક્ત કામોમાં ગેરરીતીઓ થયેલની સરકારમાં રજુઆત થતા સિંચાઇ વિભાગ દ્રારા મુખ્ય ઇજનેર અને અધિક સચિવ ગુણવત્તા નિયમન ગાંધીનગરની આગેવાની હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ટીમો દ્રારા પ્રારંભિક તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં કુલ ૦૫ ટીમોએ મોરબી જિલ્લાના પાંચ તાલુકાના જુદા જુદા ગામોમાં કરવામાં આવેલ કામો પૈકી ૪૬ કામોના સ્થળે વિઝીટ કરી રોજકામ કરી ખરેખર થયેલ કામ અને માપ પોથીમાં નોંધવામાં આવેલ કામની સરખામણીએ ભારે વિસંગતતા જણાઇ આવેલ અને ચુકવણુ કરવામાં આવ્યા મુજબ સ્થળો પર કામો ન થયેલાનુ જણાઇ આવેલ હતું.

- text

વધુમાં આ સમયગાળા દરમ્યાન મોરબી જીલ્લા કાર્યપાલક ઇજનેર તરીકે સી.ડી.કાનાણી ફરજ પર કાર્યરત હતા અને સમગ્ર કામોની દેખરેખ તેમજ ચુકવણાની જવાબદારી તેઓના શિરે હતી, અને તેઓએ ઉપરોક્ત યોજનાઓના કામોને પહોંચી વળવા અને કામની વહેંચણી સારૂ સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લટન્શી રાજકોટ ના પ્રોપ્રાઇટર ચૈતન્ય જયંતિલાલ પંડયાને કરાર આધારીત મંજુરી મેળવીને નિયુક્ત કરી નકશા, અંદાજો, ટેન્ડર તથા બીલ બનાવવા માટે કરાર કરી સામેલ હતા.

આમ આ બંને જણાઓએ મળી ઉપરોક્ત કામોમાં ક્ષતિયુકત નકશા,અંદાજો તથા માપ પોથીમાં ખોટા માપો નોંધી ખોટાબીલો બનાવેલ અને ઉપરોક્ત તમામ ખોટી કામગીરીમાં શ્રી.સી,ડી.કાનાણીએ પોતે જાણતા હોવા છતા તમામ થયેલ ચુકવણા તેમજ રજુ કરેલ નકશાઓ તથા અંદાજો મંજુર કરી એકબીજા સાથે મેળાપીપણુ કરી સરકારની યોજનાનો આમ જનતાને પુરેપુરો લાભ નહી આપી પોતે પોતાના અંગત કાયદા સારૂ અંદાજીત રૂ.૬૬,૯૧,૭૮૨ છાસઠ લાખ એકાણું હજાર સાતસો બાણુ નીં માતબર રકમ ૪૬ (છેતાલીસ) કામોના પ્રાથમિક તાંત્રિક તપાસ દરમ્યાન ગેરરીતીથી નાણા ઓળવી ગયેલાનુ જણાય આવેલ તેમજ ઉકત યોજના હેઠળ થયેલ કામો પૈકી ૨૮૮ કામોની તાંત્રિક તપાસણી બાકી છે. જે તાંત્રિક તપાસણીની કરાવવાની કાર્યવાહી વિભાગ દ્વારા કરાવવામાં આવનાર છે અને જે તાંત્રિક તપાસણીમાં બીજી કેટલી રકમ ઓળવેલ છે તે તપાસ બાદ ખુલવા પામશે.

હાલમાં પોલીસે સી.ડી.કાનાણી, નિવૃત મદદનીશ ઇજનેર મોરબી હાલ નિવૃત રહે. રાજકોટ, પ્રદ્યુમનપાર્ક સોસાયટી, સત્યસાંઇ પાર્ક. કાલાવાડ રોડ, રાજકોટ વાળાએ તેઓના કાર્યકાળ દરમ્યાન કરાર આધારીત ખાનગી પેઢીના પ્રોપ્રાઇટર ચૈતન્ય જ્યંતિલાલ પંડ્યા રહે, કાલાવાડ રોડ વાળા વિરુદ્ધ એકબીજા સાથે મેળાપીંપણુ કરી ગુન્હાહિત કાવતરૂ રચી સરકાર સાથે છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ બાદ બન્નેની ધરપકડ કરી પોલીસે આ કૌભાંડ માં વધુ કોણ કોણ સામેલ છે તેની વિગતો કઢાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

- text