મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ૧૬ સભ્યો વિરુદ્ધ પક્ષાંતરધારા હેઠળ નોટિસ

- text


ઘર ફૂટે ઘર જાય ! જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યએ નામોદીષ્ઠ અધિકારી સમક્ષ ફરિયાદ કરી

મોરબી : મોરબી કોંગ્રેસમાં અંદરો અંદરની ગળા કાપ વૃત્તિને કારણે નગર પાલિકાના સાત સભ્યો સસ્પેન્ડ થયા બાદ હવે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના ૧૬ સભ્યો વિરુદ્ધ કોંગ્રેસના જ જિલ્લા પંચાયતના સદસ્યએ પક્ષાંતરધારા હેઠળ પગલાં ભરવા નામોદીષ્ઠ અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરી તમામને નોટિસ ફટકારવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પંચાયતના હળવદ સાપકડા બેઠકના સદસ્ય હેમાંગભાઈ રાવલે ગુજરાત રાજ્ય નામોદીષ્ઠ અધિકારી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા સહિતના ૧૬ સભ્યો વિરુદ્ધ પક્ષાંતરધારા ધારા હેઠળ પગલાં ભરવા ફરિયાદ કરી છે અને તમામ સભ્યોને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

- text

વધુમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સોનલબેન જાકાસણીયાની અઢી વર્ષની મુદત પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ તરીકે કોંગ્રેસ દ્વારા મુકેશભાઈ ગામીને પસંદ કરી તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો છતાં પ્રવર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને તેમના સાથી ૧૬ સભ્યો દ્વારા વ્હીપનો અનાદર કરી પક્ષ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાત રાજય નામોદીષ્ઠ અધિકારી સમક્ષ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ૧૬ સભ્યો સામે પગલાં ભરવા હેમાંગભાઈ રાવલે ફરિયાદ કરતા આગામી એકાદ માસમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે.

વધુમાં પક્ષાંતરધારા ધારા હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, નિર્મળાબેન મઠીયા, અમુભાઈ હૂંબલ, શારદાબેન માલકીયા, મનીષાબેન સરાવાડિયા, પ્રભુભાઈ વીંઝવાડિયા, હિનાબેન ટાડમિયા, સોનલબેન જાકાસણીયા, જમનાબેન મેઘાણી, મહેશ રાજકોટિયા, હરદેવસિંહ જાડેજા, કુલસુમબેન બાદી, ધર્મેન્દ્રભાઈ પટેલ, ગુલામભાઈ પરસરા અને પિંકુબેન ચૌહાણ વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવી છે.

આમ, મોરબી પાલિકા બાદ મોરબી જિલ્લા પંચાયતમાં પણ ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિમાં કોંગ્રેસ V/S કોંગ્રેસ સામ સામે આવી જતા ભાજપ છાવણી ગેલમાં આવી છે.

- text