હળવદના અજીતગઢ ગામે સીઝ કરાયેલી ૩પ હજાર ટન રેતીની હરરાજી કરાઈ

- text


સરકારી તિજારીમાં રપ.૬૦ લાખથી વધુ રકમની જમા થશે

હળવદ : હળવદના તાલુકાના અજીતગઢ ગામે સીઝ કરાયેલી ૩પ હજાર ટન રેતીની આજે જાહેર હરરાજી કરવામાં આવી હતી. જેમાં સરકારી તિજારીમાં રપ.૬૦ લાખથી વધુ રકમની જમા થશે.

તાજેતરમાં જ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના અજીતગઢ ગામે રેતીના સટ્ટાઓ સીઝ કરવામાં આવ્યા હતા. જે રેતીની માપણી કરતા ૩પ હજાર ટન રેતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારી યુ.કે.સિંઘ, હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં જાહેર હરરાજીનો ભાવ બોલાયો હતો. જેમાં ૩પ હજાર ટન રેતીનો જથ્થો વિવિધ ૧૦ લોકોએ ખરીદ્યો હતો. જયારે બીજી તરફ જિલ્લાના અધિકારીઓ દ્વારા રેત માફિયાઓએ ભેગી કરેલી રેતીના સટ્ટાની જાહેર હરરાજી બોલાતા રેત માફિયાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

- text

પંથકમાં સફેદ રેતીનો પાછલા ઘણા સમયથી કાળો કારોબાર બેફામપણે ચાલતો હતો જેના પર જિલ્લા ખાણ ખનિજ અને હળવદ પોલીસ દ્વારા ઘોંસ બોલાવાતા રેતી ચોરી પર મહદઅંશે રોક લાગી જવા પામી છે. ત્યારે આજે તાલુકાના અજીતગઢ ગામે સીઝ કરાયેલ ૩૭ હજાર ટન રેતીની જાહેર હરરાજી કરાઈ હતી. સીઝ કરાયેલ જુદાજુદા રેતીના ૧૦ જેટલા ઢગલાને ૧૦ લોકોએ ખરીદ્યા હતા. જેના થકી સરકારની તીજારીને રપ.૬૦ લાખની આવક થશેનું જિલ્લા ખાણ ખનિજ અધિકારી યુ.કે.સિંઘે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક માસ અગાઉ પણ આજ રેતીના ઢગલાની જાહેર હરરાજી કરવામાં આવી હતી. ત્યારે એક વ્યકિત દ્વારા રેતી પણ ખરીદવામાં આવી હતી પરંતુ આજદિન સુધી રેતી ખરીદનાર નહીં ફરકતા આજે ફરીથી હરરાજી કરવામાં આવી હતી. જયારે બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે, હળવદ શહેર અને ધનાળા, મયુરનગર અને મિયાણી ગામે ખડકાયેલ ગેરકાયદેસર રેતીના સટ્ટા પર પણ શું ખાણખનીજ સીઝ કરશે ખરૂં ?

- text