શિક્ષક દિન : એક દિવ્યાંગ શિક્ષકના કારણે સરકારી શાળા બની ખાનગી સ્કૂલોથી પણ ચડિયાતી

- text


કુદરતે આંખ અને પગે ખોટ આપી, તેમ છતાં આ શિક્ષકે મક્કમ મનોબળ અને કર્મનિષ્ઠાના સહારે શાળાની શીકલ જ ફેરવી નાખી

મોરબી : મોરબીના રાજપર ગામે આવેલ તાલુકા શાળાની શીકલ જ ત્યાંના એક શિક્ષકે બદલાવી નાખી છે. આ શાળા આજે ખાનગી શાળાને પણ પાછળ રાખી દે તેવી બની છે. આ તમામ સિદ્ધિઓ શિક્ષકની કામ પ્રત્યેની નિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના તેઓના પ્રેમના કારણે હાંસલ થઈ છે. વિશેષ વાત તો એ છે કે શાળામાં બદલાવ લાવનાર આ શિક્ષક દિવ્યાંગ છે. તેઓને કુદરતે આંખ અને પગે ખોટ આપી છે.તેમ છતાં તેઓએ પોતાના મક્કમ મનોબળના સહારે બાળકોનું ભાવિ ઉજળું બનાવવાની નેમ ધારણ કરી અનેક સરાહનીય કાર્યો કર્યા છે.

શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ, વર્ષો પહેલા ચાણક્યે કહેલા આ શબ્દોને સાચા પાડતા હોય એવા ઘણા બધા શિક્ષકો સમર્પિત બની, નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે અને જાણે કહેતા હોય છે રજ રજ ને શોધું છું કે રજ ક્યાં પડી છે ઘણી મથામણ ના અંતે ખબર પડી કે રજ ફરજમાં પડી છે. આજે શિક્ષકદિન નિમિતે એક એવા શિક્ષકની વાત કરવી છે કે જેઓ એક આંખે અને એક પગે દિવ્યાંગ છે.

દિનેશભાઇ મોહનભાઇ ભેંસદડીયા રાજપર તાલુકા શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ દિવ્યાંગ છે. કુદરતે તેઓને આંખ અને પગમાં ખોટ આપી છે. પરંતુ તેઓએ પોતાની ખામીઓને ખુબીઓમાં પરિવર્તીત કરીને શાળાને નંદનવન, વિદ્યામંદિર,ખાનગી શાળાને ટક્કર મારે એવી અનેક ભૌતિક સુવિધાઓથી સુસજ્જ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજથી ચાર વર્ષ પહેલાં આ શાળા મોરબી જિલ્લાની એકમાત્ર એવી શાળા હતી કે જે નળીયાવાળી હતી. દીનેશભાઈને આ બાબત આંખના કણાની માફક ખૂંચતી હતી એમને તમામ શિક્ષકો, ગામના આગેવાનો સરપચને વાત કરી ગ્રામજનોએ દશેક લાખ જેવો ફાળો એકત્ર કર્યો અને લાઈફ સંસ્થાનો સમ્પર્ક કર્યો અને આ સસ્થાએ ૮૦ લાખના ખર્ચે વિશાળ મેદાન અને બાર રૂમ ધરાવતી સુંદર મજાની શાળાનું નિર્માણ કરી આપ્યું હતું.

- text

ત્યારબાદ દિનેશભાઈએ શાળાના તમામ શિક્ષકોના સાથ અને સહકારથી શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ જેવી કે વેકેશનમાં સમરકેમ્પ કે જેમાં વિદ્યાર્થીઓને મનગમતી ગામઠી રમતો રમાડવી,ચિત્ર દોરવા,રગપુરની,બાળવાર્તા,નિબંધ લેખન,બાળગીતો,બાલ અભિનય, વગેરે પ્રવૃતિઓ સતત એક અઠવાડિયા સુધી કરાવવી, પ્રજાસતાક પર્વ નિમિત્તે રાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, તેમજ બાળકો માટે જોઈતી સ્ટેશનરી ની વસ્તુઓ માટેની સસ્તાભાવની દુકાન શાળામાં જ શરૂ કરાવી અને તેનું સંચાલન બાળકો દ્વારા જ કરાવવાનો નિર્ણય લીધો હતો.

બાળકોને કમ્પ્યુટર શીખવવું વગેરે અનેકવિધ પ્રવૃતિઓ રાત દિવસ જોયા વગર આ શિક્ષક બાળકોના મિત્ર, માર્ગદર્શક,બની કરી રહયા છે. લાગણી અને કર્મનિષ્ઠાના કારણે આ શિક્ષક બાળકોના પ્રિય બની ગયા છે. દિનેશભાઇ તમામ શિક્ષકો માટે પ્રેરણારૂપ છે. શરીરથી તેઓ અસમર્થ છે પરંતુ મનથી તેઓએ સંપૂર્ણ સમર્થ રહીને બાળકોના ઉજ્જવળ ભાવિ માટે અનેક કામ કર્યા છે.

- text