મોરબીની ઓઇલ મિલમાં દરોડો : ૬૭ લાખનું ખાદ્યતેલ સિઝ

- text


નવાડેલા રોડ પર ઉપર બહુચર ટ્રેડિંગ અને ધવલ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ તેલના ૬૧ ડબ્બા ઝડપાયા બાદ તપાસ ઓઈલમિલ સુધી લંબાઈ

મોરબી : મોરબી જિલ્લામા જિલ્લા પૂરવઠા તંત્રને ગઈકાલે જિલ્લા કલેકટરે દોડતું કરી તહેવાર સમયે જ ભેલસેળીયા તેલમિલરો અને તેલના વેપારીઓ વિરુદ્ધ પગલાં ભરવા આદેશ કરતા પુરવઠા અધિકારીએ મોરબીની બે તેલની પેઢીઓમાં તપાસ કરી શંકાસ્પદ જણાતા ૬૧ પામતેલના ડબ્બા સિઝ કરી આ તેલનું પેકેજીંગ કરતી ધવલ ઓઈલમિલમાં દરોડો પાડી રૂપિયા ૬૭ લાખ રૂપિયાનો તેલનો જથ્થો સિઝ કરી નમૂના લેવડાવવાની કાર્યવાહી હાથ ધરતા તેલમિલર લોબીમાં ખળભળાટ મચી ગયો છે.મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયા એ મોરબી શહેર જિલ્લામાં ખાદ્યતેલનો વેપાર અને પેકીંગ ટીનિંગ કરતા વેપારીઓ અને ઉત્પાદકોને ત્યાં ચેકીંગ કરવા આદેશ આપતા લાંબા સમય બાદ જિલ્લા પુરવઠા તંત્ર અને મામલતદાર મોરબી મેદાનમાં ઉતરી મોરબીના નવાડેલા રોડ પર આવેલા બહુચર ટ્રેડિંગ નામની પેઢીમાં તપાસણી કરતા શંકાસ્પદ જણાતા ધવલ બ્રાન્ડ આર.બી.ડી. પામતેલના ૪૧ ડબ્બા સિઝ કરવામાં આવ્યા હતા.

બાદમાં આ તપાસનો દૌર આગળ વધતા મોરબીના ગાંધીચોકમાં આવેલ દ્વારકાદાસ અવચરની ધવલ એન્ટરપ્રાઇઝમાં રેડ કરી અહીથી પણ પામતેલના ૧૭ ડબ્બા સિઝ કરવામાં આવ્યા હતા.

- text

દરમિયાન જિલ્લા કલેકટરના કડક આદેશને પગલે જિલ્લા પૂરવઠા તંત્રએ આ તપાસનો આગળ ધપાવી રાત્રીના ૮ વાગ્યાના અરસામાં મોરબીના શક્ત સનાળામાં રાજપર રોડ પર આવેલ ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પડ્યો હતો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હોય પુરવઠા વિભાગ દ્વારા ઓઇલ મિલમાં રહેલા જુદા – જુદા ખાદ્યતેલનો ૬૭ લાખથી વધુનો જથ્થો સિઝ કરવા હુકમ કર્યો હતો.વધુમાં ધવલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગ અને મામલતદાર મોરબીએ પામતેલ ૪૨૯૯૫ કિલોગ્રામ કિ.૨૭,૯૪,૬૭૫, કપાસિયા તેલ ૭૫૦ કિલો કિ.૫૬,૭૯૩, સોયબીન તેલ ૧૮૨૫૭ કિલો કિ.૧૨,૪૭,૩૦૪, સનફલાવર તેલ કિલો ૨૩૩૮૦ કિ.રૂ.૧૭,૫૭,૫૫૨, મકાઈ તેલ ૯૫૧૫ કિલોગ્રામ, કિ.૬,૬૬,૧૦૨ અને સીંગતેલ ૨૬૯૪ કિલોગ્રામ કિ.૨,૨૬,૩૭૫ સિઝ કરી આવશ્યક ધારો ૧૯૭૭ હેઠળ ધવલ ઓઇલ મિલના સંચાલક સમીર દ્વારકાદાસ ચતવાણીના ગોડાઉનમાં પડેલ તમામ જથ્થો સિઝ કરી યથાવત સ્થિતિ ઝાળવી રાખવા હુકમ કર્યો હતો.

સિઝર ઓર્ડર બાદ પૂરવઠા વિભાગ દ્વારા ઉપરોક્ત જપ્ત કરાયેલા ખાદ્યતેલના નમૂના લેવડાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, નોંધનીય છે કે મોરબીમાં મોટાગજાની અનેક તેલમિલો આવેલી છે અને તેલમિલરો ખાદ્યતેલમાં બેફામ ભેળસેળ કરતા હોવાનું જગજાહેર છે ત્યારે અચાનક આળસ ખંખેરી મેદાનમાં આવેલ પુરવઠા વિભાગે બે પેઢીઓ અને તેલમિલમાં ૧૯૭૭ ના આવશ્યક ધારા હેઠળ કાર્યવાહી કરતા ચકચાર જાગી છે.

- text