મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા રાજમાર્ગોને ડેવલપ કરો : મુખ્યમંત્રીને રજુઆત

- text


ગાંધી ચોકથી રવાપર ગામ સુધીનો માર્ગ અને ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસ રોડને ડેવલપ કરવાની વિહિપ અગ્રણીની માંગ

મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે. ત્યારે આ સમસ્યાને હળવી કરવા માટે શહેરના રાજમાર્ગોને ડેવલોપ કરવાની તાતી જરૂરિયાત છે. આ અંગે વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરીને ગાંધી ચોકથી રવાપર ગામ સુધીનો માર્ગ, ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસ રોડને ડેવલોપ કરવાની માંગ ઉઠાવી છે.

મોરબીના વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના બનાવો નિવારવા માટે મોરબીના ગાંધી ચોકથી રવાપર ગામ સુધીના રોડને નવેસરથી પેવર બ્લોક રોડ બનાવવો જરૂરી છે. રવાપર એવન્યુ પાર્ક પાસે વાહનો બ્લોક થઈ જતા હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ છે. તે નિવારવા પુલનું રીપેરીંગ વહેલી તકે પૂર્ણ કરાવવા ઉપરાંત આ પોશ વિસ્તારનો રોડ ઉબડ ખાબડ હોવાના કારણે લોકોને મુશ્કેલી થતી હોવાથી વહેલી તકે રોડને ડેવલપ કરવાની માંગ છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે ભક્તિનગર સર્કલને ડેવલપ કરવાની તાતી જરૂરિયાત છે. ભક્તિનગર સર્કલ પાસે દરરોજ સિમેન્ટ ભરેલા ૧૦ થી વધુ ટ્રકો ઉભા હોય છે. દિવસ દરમિયાન નો એન્ટ્રી હોય, ભારે વાહનો ત્યાં પાર્ક કરાઈ છે. તેથી ત્યાં સર્વિસ રોડ બનાવવો અનિવાર્ય છે. ભક્તિનગર સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી જનસુવિધામાં વધારો થશે. તેમજ શનાળા બાયપાસ રોડ પર સૌરાષ્ટ્ર તરફથી કચ્છ તરફ ભારે વાહનો જતા હોય છે. રહેણાંક વિસ્તાર હોવાથી અકસ્માતો નિવારવા માટે આ માર્ગને ડેવલપ કરી વાવડી રોડ ચાર રસ્તા ફ્લાય ઓવરબ્રિજ બને તે જરૂરી છે. તેમ જણાવાયું હતું.

- text